Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

મુન્દ્રામાં ભાવનગરની લૂંટારૂ ગેંગ ઝડપાઇ : પેટ્રોલ પંપ, કન્ટેનર યાર્ડમાં લૂંટ કરવાની સાથે બે ઘરફોડ ચોરી કરી હોવાનું ખૂલ્યું

ગુનાહિત ઇતિહાસ ધરાવતા ભાવનગરના ચારેય ગુનેગારો મુન્દ્રામાં મજૂરોની વસાહતમાં ઝુપડામાં રહેતા હતા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૮ : તાજેતરમાં જ મુન્દ્રામાં બે લૂંટ ના બનાવો એ સર્જેલી ચકચાર વચ્ચે પોલીસે બંને લૂંટના ગુનાઓનો ભેદ ઉકેલી લીધો છે. મુન્દ્રાના ઝરપરા ગામે કન્ટેનર યાર્ડમાં તેમ જ બાબિયા ગામે પેટ્રોલ પંપમાં લૂંટ ચલવનાર ચાર આરોપીઓ પશ્ચિમ કચ્છ એલસીબીએ ઝડપી લીધા છે.

મૂળ ભાવનગરના અને હાલે મુન્દ્રા રહેતા આરોપીઓએ મુન્દ્રામાં એક ચોરી ઉપરાંત અંજારમાં ઘરફોડ ચોરી કરી હોવાનું પણ ખૂલ્યું છે. પોલીસે શંકાસ્પદ શખ્સોની હિલચાલની બાતમીના આધારે મુન્દ્રામાં આવેલ ફર્ન હોટલની પાછળ ઝુંપડામાં રહેતા રમેશ આતુભાઈ પરમારના ઝુંપડામાં દરોડો પાડયો હતો. પોલીસને આ ઝુંપડામાં રહેલા શખ્સોની પૂછપરછ માં જ તેમની ગુનાહિત પ્રવૃત્ત્િ।ઓનો પર્દાફાશ કરી આરોપીઓ રમેશ આતુ પરમાર, વલ્લભ કમાભાઈ સરવૈયા, કિશોર વિરૂભાઈ પરમાર અને અજીત ઉર્ફે ટીહલો પુનાભાઈ વાઘેલાની ધરપકડ કરવામાં આવી હતી.

તમામ આરોપીઓ મૂળ ભાવનગર જિલ્લાના વતની હોવાનું જાણવા મળ્યું હતું, જેમાંથી રમેશ ફર્ન હોટલ પાછળ આવેલા ઝુંપડામાં રહેતો હતો. આરોપીઓના કબ્જામાંથી પોલીસે ૩૬ હજારની રોકડ રકમ, ૧૫ હજારની કિંમતના ૩ નંગ મોબાઈલ, બાબિયા નજીક લૂંટમાં ગયેલો ૮ હજારનો મોબાઈલ તેમજ રતનાલ ગામે ઘરફોડ ચોરીમાં ગયેલ પાંચ હજારનો એક મોબાઈલ મળીને કુલ ૬૪ હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે કરેલી કાર્યવાહીમાં મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા લૂંટના બે બનાવ તેમજ કેબલ ચોરીનો એક બનાવ અને અંજારના રતનાલમાં કરાયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો હતો. આરોપીઓ પૈકી કિશોર પરમાર વિરૂદ્ઘ અગાઉ પ્રોહિબિશનના ૯ અને શરીર સંબંધી એક ગુનો નોંધાયેલો હતો.

આરોપી વલ્લભ વિરૂદ્ઘ પ્રોહિબિશનના ૪ અને શરીર સંબંધી ર ગુના જયારે અજીત વિરૂદ્ઘ પ્રોહિબીશનનો એક ગુનો અગાઉ નોંધાયેલો હતો. એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એસ.જે. રાણા, મુન્દ્રા પીઆઈ મિતેશ બારોટ સાથે પોલીસ ટીમે સંયુકત રીતે આ ઓપરેશન પાર પાડી ચારેય રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા હતા.

(11:03 am IST)