Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

ઓખા નગરપાલિકાની ચુંટણી જાહેર થતાં રાજકીય ગતિવિધિ તેજ બની

ભાજપ દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રભારી આજે બુધવારે ઓખાની મુલાકાતેઃ ચુંટણી અંગે તૈયારીઓ શરૃઃ ઓખા નગરપાલિકાની ચુંટણી જાહેર થતાં આદર્શ આચારસંહિતા લાગુઃ રાજકીય પક્ષોના હોર્ડિગ્સ ઉતારી લેવાયાઃ રાજકીય ચોકઠા ગોઠવવા ચક્રો ગતિમાન

(ભરત બારાઇ દ્વારા) ઓખા, તા.૮: ચુંટણી પંચ દ્વારા ઓખા નગરપાલિકાની ચુંટણી જાહેર થતાં ઓખા ના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને રાજકીય ગતિવિધિ તેજ બની છે.

ભાજપના દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી શ્રી પ્રદીપ ભાઈ ખીમાણી આજે ઓખા માં લોહાણા મહાજન વાડી ખાતે કાર્યકરો સાથે બુધવારે સાંજે ૭ વાગે મિટિંગ હાથ ધરી છે અને ચુંટણી અંગે તૈયારી ઓ હાથ ધરવામાં આવશે.

દરમિયાન ચુંટણી જાહેર થતાં આદર્શ આચારસંહિતા લાગુ થતાં ગામમાં લગાડવામાં આવેલ રાજકીય પક્ષોના હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યાં છે અને સર્વે વિકાસના નવા કામોને બ્રેક લાગી ગઈ છે. બીજી તરફ ટિકિટ માટે અત્યારથીજ લોબિંગ અને ભલામણોનો મારો ચાલુ થઈ ગયેલ છે.

ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ છે જે અંતર્ગત ઓખા નગરપાલિકામાં કુલ ૯ વોર્ડ અને ૩૬ સીટ છે. ઓખા નગરપાલિકા ઓખા, બેટ, આરંભડા, સુરજકરાડી તેમજ દેવપરા એમ કુલ પાંચ વિસ્તારમાં આવેલ છે. જેમાં ગઈ ટર્મ માં કુલ ૩૬ સીટ માંથી ૨૧ સીટ ભાજપ પાસે અને ૧૫ કોંગ્રેસ પાસે હતી. જેમાં જાહેરનામું પ્રસિધ્ધ કરવાની તારીખ ૧૩/૦૯/૨૦૨૧ કરવામાં આવેલ છે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૧૮/૦૯/૨૦૨૧ રાખવામાં આવેલ છે. જયારે ઉમેદવારી ફોર્મની ચકાસણીની તારીખ ૨૯/૦૯/૨૦૨૧ રાખવામાં આવેલ છે. ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ ૨૧/૦૯/૨૦૨૧ રાખવામાં આવેલ છે. મતદાનની તારીખ ૦૩/૧૦/૨૦૨૧ અને પુનઃ મતદાનની તારીખ જરૂર પડે તો ૦૪/૧૦/૨૦૨૧ રાખવામાં આવેલ છે. મતગણતરી ૦૫/૧૦/૨૦૨૧ના રોજ કરવામાં આવશે.

(10:27 am IST)