Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

જસદણના વેકરીયા ચોકથી પોલારપર રોડ સુધીનો રસ્તો અકસ્માત ઝોન બન્યો

જસદણ, તા.૮: જસદણમાં વેકરીયા ચોકથી પોલારપર રોડ સુધીનો રોડ જેતે તંત્ર દ્વારા અંદાજે એક વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો હતો. પરંતુ રોડ બન્યાના ગણતરીના દિવસોમાં આ રોડને તોડી રોડની સાઈડમાં ભૂગર્ભ ગટર નાંખવામાં આવી હતી. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને આ રોડ પરથી પસાર થવું માથાના દુઃખાવા સમાન બની જવા પામ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે જો તંત્રને આ ભૂગર્ભ ગટર નાંખવાની થતી જ હતી તો અગાઉ શા માટે નવો નક્કોર રોડ બનાવી લાખો રૂપિયાનું પાણી કરવામાં આવ્યું હતું. ભલે આ રોડ તોડી ભૂગર્ભ ગટર નાંખવામાં આવી હતી. પરંતુ બાદમાં આ રોડનું રીપેરીંગ કામ પણ કરવામાં આવ્યું ન હોવાથી દરરોજ નાનામોટા અકસ્માતોના બનાવો બની રહ્યા છે. છતાં જવાબદાર તંત્ર દ્વારા આ રોડ પ્રશ્ને ધ્યાન અપાતું નથી. જેથી જેતે જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે વેકરીયાચોકથી પોલારપર રોડ સુધીના રોડની મરામત કામગીરી હાથ ધરવામાં આવે તેવી જસદણની જાગૃત જનતાની માંગણી ઉઠવા પામી છે.

(10:29 am IST)