Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

ભાવનગર : સાળી ઉપર બળાત્કાર ગુજારવાના ગુનામાં પકડાયેલ બનેવીને ૧૦ વર્ષની સજા ફટકારતી અદાલત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા. ૮ : બે વર્ષ પૂર્વે સગા બનેવીએ સાળી સાથે બળાત્કાર ગુજાર્યાનો પોલીસ ફરીયાદ જે તે સમયેભાવનગર જિલ્લાના વલ્લભીપુર પોલીસ મથકમાં નોંધાવી હતી. પોલીસે આરોપી સામે ઈપીકો કલમ -૩૭૬ તથા ૩૨૩ મુજબનો ગુન્હો નોંધ્યો હતો . આ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડીશ્નલ સેશન્સ જજ ની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી આરોપી સામે ઈપીકો કલમ -૩૭૬ મુજબનો ગુન્હો સાબીત માની આરોપીને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અદાલતે ફટકારી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ આ કામના ફરીયાદી ભોગબનનાર તથા તેમના માતા તથા તેમના ભાઈ ત્રણેય જણા સાડીઓના પોટલા બાંધી ફેરી કરવા તા.રપ / ૯ / ૧૮ ના રોજ ધંધુકા ગયેલ અને ત્યાંથી અલગ અલગ જગ્યાએ નીકળેલ હતા ત્યારે આ કામના ફરીયાદી ધંધુકા બસ સ્ટેન્ડ પાસે બેઠા હતા , તે વેળાએ આ કામના આરોપી પ્રકાશભાઈ દાનુભાઈ ગોરાહવા (રહે. બરવાળા, ઇંગ્લીશ મીડીયમ સ્કુલ પાસે, ઠકકરબાપા સોસાયટી સામે , તા . બરવાળા, જી. બોટાદ) ફરીયાદીના બનેવી થતાં હોય ભેગા થયેલા તે વેળાએ આરોપીએ ફરીયાદીને કહેલ કે, સાડી લેવાવાળા મારા ઓળખીતા ઘરાક છે, જેથી તારી તમામ સાડીઓ વેચી અપાવીશ તેવુ ખોટુ બોલી ફરીયાદીને વલ્લભીપુર તાલુકાના માલપરા ગામની સીમમાં લાવી ફરીયાદીની એકલતાનો લાભ લઈ ફરીયાદીની મરજી વિરુધ્ધ બળજબરીપુર્વક અવાર નવાર શારીરીક સબંધ બાંધી, બળાત્કાર કરેલ.

ત્યારબાદ તા. ૧૭/૧૦/૧૮ ના રોજ બળજબરી કરતા ફરીયાદીને આ કામના આરોપીએ ધકકો મારી પછાડી દેતા જમણા પગે ઈજા કરી ગુન્હો કરેલ હોય આ કામના આરોપી ગુન્હો કરતા પકડાઈ ગયેલ. આ બનાવ અંગે ભોગ બનનારે આરોપી પ્રકાશ દાનુભાઈ ગોરહવા સામે પોલીસ ફરીયાદ નોંધાવતા વલ્લભીપુર પોલીસે ગત તા .૧૨ / ૧૨ / ૧૯ ના રોજ આરોપી સામે ઈપીકો કલમ -૩૭૬ તથા ૩૨૩ મુજબનો ગુન્હો નોંધ્યો હતો. આ બનાવની તપાસ જે તે સમયના વલ્લભીપુરના પો.સ્ટે.ના પી.એસ.આઈ. ટી.એસ. રીઝવી તથા તેમના સ્ટાફે ઘનીષ્ઠ તપાસ હાથ ધરેલ આ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડીશ્નલ સેશન્સ જજ એ. બી. ભોજકની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ વી.બી.રાણાની અસરકારક દલીલો, મૌખિક પુરાવા ૧૪ અને દસ્તાવેજી પુરાવા ૨૧ વિગેરે ધ્યાને લઈ અદાલતે આ કામના આરોપી પ્રકાશભાઈ દાનુભાઈ ગોરાહવા સામે ઈ.પી.કો કલમ -૩૭૬ મુજબના ગુન્હાના કામે તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા, રોકડા રૂ.૧૦ હજારનો દંડ અને આરોપી દંડ ન ભરે તો વધુ સાત દિવસની સજા , ઈપીકો કલમ -૩૨૩ મુજબના ગુન્હા સબબ આરોપીને ૬ માસની સજા રોકડા રૂ.૫૦૦નો દંડ, આરોપી દંડ ન ભરે તો વધુ ૩ દિવસની સજા અદાલતે ફટકારી હતી. ઉપરાંત સદર ગુન્હા સંદર્ભે ભોગબનનારની ઉમર જોતાં ગુજરાત વિકટીમ કોપેન્સેશન સ્કીમ ૨૦૧૯ ની કલમ -૪ સાથે વાંચતા કલમ -૭ અન્વયે ભોગબનનારને રૂ. ૧ લાખ ચુકવવાનો આથી હુકમ કરવામાં આવે છે અને તે સંદર્ભે ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરીટીને યાદ કરવા અદાલતે હુકમ કર્યો છે.

(11:42 am IST)