Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

આટકોટની પાદરની સીમમાં લાલજીભાઈ ખોખરીયાની હત્યા

વાડીમાં એકલા રહેતા લેઉવા પટેલ પ્રૌઢના માથામાં તિક્ષ્ણ હથીયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યાઃ લૂંટના ઈરાદે હત્યા થયાનું તારણ

તસ્વીરમાં મૃતક લાલજીભાઈ ખોખરીયાનો મૃતદેહ તથા તેમનુ મકાન નજરે પડે છે(તસ્વીરઃ વિજય વસાણી-આટકોટ)

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ૮ :. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટમાં લેઉવા પટેલ પ્રૌઢની તિક્ષ્ણ હથીયારના ઘા ઝીંકીને હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ આટકોટના પાદરમાં આવેલ ત્રિમૂર્તિ બાલાજી હનુમાન નજીક પાદરડી વાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા ૫૦ વર્ષના લેઉવા પટેલ લાલજીભાઈ બાલાભાઈ ખોખરીયાનો મૃતદેહ મળી આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

મૃતક લાલજીભાઈ ખોખરીયાના માથા ઉપર તિક્ષ્ણ હથીયારના ઘા મારીને તેમને મોતને ઘાટ ઉતાર્યા હોવાનુ ખુલ્યુ છે. વાડી વિસ્તારમાં એકલા રહેતા લાલજીભાઈ ખોખરીયાના મકાનમાં સામાન વેરવિખેર જોવા મળ્યો છે જેથી લૂંટના ઈરાદે હત્યા થયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યુ છે.

મૃતક લાલજીભાઈ ખોખરીયાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બન્ને પરણિત છે. તેમનો પુત્ર સુરત રહે છે. પુત્રવધુ સગર્ભા હોવાથી તેમના માવતરે છે. જેથી પુત્રને જમવામાં તકલીફ ન પડે તે માટે લાલજીભાઈ ખોખરીયાના પત્નિ સુરત તેમના પુત્ર પાસે છેલ્લા થોડા સમયથી છે જેથી વાડીએ લાલજીભાઈ એકલા રહેતા હતા.

રાત્રીના સમયે કોઈ જાણભેદુ અથવા તો લૂંટારૂઓએ વાડીમાં આવીને લાલજીભાઈને મોતને ઘાટ ઉતારીને નાસી છૂટયા હતા. આ બનાવની જાણ થતા આટકોટ પોલીસ સ્ટેશનના કે.પી. મેતા અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. વધુ તપાસ માટે ફીંગર પ્રિન્ટ અને ડોગ સ્કવોડની મદદ લેવામાં આવી છે.

મૃતક લાલજીભાઈ ખોખરીયાનો મોબાઈલ પણ ગૂમ થઈ ગયો છે અને તેના મોબાઈલ ફોન કરવાથી ફોન નો-રીપ્લાય થાય છે. પોલીસે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.(૨-૧૬)

 

ગુજરાત સ્ટેટ હાઉસિંગ ફાયનાન્સ બોર્ડના ચેરમેન તરીકે ડો.ડી.પી.ચીખલીયાની નિમણુંક આગેવાનો દ્વારા આવકાર

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૮ : જુનાગઢના સેવાભાવી તબીબ અને ભારતીય જનતા પાર્ટીના દાયકાઓથી સભ્ય એવા ડો. ડી.પી.ચીખલીયાની ગુજરાત સ્ટેટ હાઉસીંગના ચેરમેન તરીકે નિમણુંક થતા આગેવાનો દ્વારા આવકારી શ્રી ચિખલીયાને અભિનંદન પાઠવી રહયા છે.

શ્રી ચિખલીયા ચેરમેન પદે નિમાતા સહકારી આગેવાન ડોલરભાઇ કોટેચા બિપીનભાઇ તથા ભરતભાઇ બોઘરા સહિતનાએ અભિનંદન પાઠવ્યા હતા. આ તકે ડો. ડી.પી.ચીખલીયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મને આવડી મોટી જવાબદારી સોંપી મહત્વ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી શ્રી અમિત શાહ સી.આર.પાટીલ, શ્રી વિજયભાઇ રૂપાણીનો આભાર વ્યકત કરુ છે. શ્રી ચિખલીયાને મો.નં.૯૮રપર ૩૧૭૩૧ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(12:56 pm IST)