Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

વાંકાનેરમાં સંત મુનિબાવાની જગ્યા-શ્રી ફળેશ્વર મહાદેવના સાનિધ્યમાં પૂ.જલારામબાપા જન્મ જયંતિની ઉજવણી કરશેઃ ભકિતસંધ્યા કાર્યક્રમ સાથે ધુનઃ ભકિતનો રમઝટ જામશે

બટુક ભોજન, મહાપ્રસાદ મહાઆરતી, શૃંગાર દર્શન સહિતના કાર્યક્રમો

વાંકાનેર તા. ૮ : વાંકાનેરમાં જડેશ્વર રોડ પર ઐતિહાસિક સંત મુનિબાવાની જગ્યા પર પૌરાણિક ફળેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જેમાં શિવાલય રામચંદ્ર ભગવાન તેમજ સંત શિરોમણી જલારામબાપા બિરાજમાન છે. આગામી તા.૧૧/૧૧/ર૦ર૧ ના રોજ સંત જલારામબાપાની રરર મી જન્મજયંતિ નિમિતે નિજ મંદિરમાં અનોખા ‘પુષ્પોના શણગાર દર્શન’ કરવામાં આવશે તેમજ સવારે જલારામબાપાની વિશેષ પૂજન અર્ચનવિધિ કરવામાં આવશે જે પુજાવિધિમાં જલારામબાપાના ભકતજન સમીર ટ્રેડર્સવાળા બાબભાઇ લાખાણી (લાખાણી) પરિવાર) તથા ફળેશ્વર મંદિરના સંચાલક વિશાલભાઇ પટેલ યજમાન તરીકે બિરાજશે. પૂજાવિધિ બાદ જલારામબાપાની મહાઆરતી કરવામાં આવશે, જલારામ જયંતીના પાવન પુણ્યશાળી અવસરે ફળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં રાત્રે ૯-૩૦ કલાકે ભકિત સંધ્યાનો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે. જેમાં વાંકાનેરના પ્રસિધ્ધ શ્યામ ધુન મંડળના ભકતજનો ધુન, ભકિત ગીતો, કિર્તન અને ભજનો અનેરી સંગીતની શૈલી સાથે રંગત જમાવશે. સાંજે જલારામબાપાના મંદિરમાં ભવ્ય આરતી કરવામાં આવશે તેમજ સાંજે પ કલાકે બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે

આ ઉપરાંત, જાગાનુજાગ જલારામ જયંતિના દિવસે જ આ જગ્યાના બ્રહ્મલિન મહંત પટેલબાપુની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથી હોવાથી ફળેશ્વર મંદિર ખાતે બપોરે ભુદેવોના ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી જલારામ જયંતીના રોજ રાત્રે ભકિત સંધ્યાના કાર્યક્રમમાં સર્વે ભાવિક ભકતજનોઍ પધારવા ફળેશ્વર મહાદેવ મંદિર તથા ફળેશ્વર મહાદેવ સેવા સમિતિ તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

(4:39 pm IST)