Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

સુરેન્દ્રનગર એન્કાઉન્ટર પ્રકરણમાં અંતે પરિવારે બંને આરોપીના મૃતદેહ સ્વીકાર્યા

ગેડિયા ગામમાં જ દફનવિધિ કરવાનો લેવાયો નિર્ણય : રાજકોટ ‌સિવિલ હોસ્‍પિટલે થી મૃતદેહો ગેડીયા લઇ જવાયા

સુરેન્દ્રનગર: પાટડીના ગેડિયા ગામે એન્કાઉન્ટર મામલે પરિવારે બંને મૃતક આરોપીના મૃતદેહ સ્વીકાર્યા છે. મૃતક આરોપી હનીફખાન અને મદીનખાનનો મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલથી ગેડિયા ગામે લઇ જવાયો છે.ગેડિયા ગામમાં જ બંનેની અંતિમવિધી કરવામાં આવશે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

મૃતક આરોપી હનીફખાન વિરુદ્ધ કુલ 86 ગુના નોંધાયેલા હતા જેમાંથી તે 59 ગુનામાં વોન્ટેડ હતો. પોલીસ જ્યારે તેને પકડવા ગઈ ત્યારે પોલીસ પર તેણે હુમલો કરી દીધો હતો. જવાબી કાર્યવાહીમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું જેમાં હનીફખાન અને તેના પુત્ર મદીનનું મોત થયું હતું.

સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ નજીક ગેડીયા ગામે પોલીસ દ્વારા બે કુખ્યાત ગુનેગારોના થયેલા એન્કાઉન્ટરમાં બંને આરોપીઓના પરિવારજનોએ પોલીસ પર આરોપ લગાવી મૃતક હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો અને તેના પુત્ર મદીનનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. મૃતકના પરિજનોએ પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે પોલીસે ઘરમાં ઘુસીને ફાયરિંગ કર્યુ હતું. આ સાથે જ મૃતકના પરિજનોએ ન્યાય ન મળે ત્યા સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

હનીફ ખાને PSI વી.એન.જાડેજા પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા અને તેનો પુત્ર મદિન ખાન પણ ધારીયું લઈ PSI વી.એન.જાડેજા પર હુમલો કરતા PSIને પીઠના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ PSIએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી સ્વ-બચાવમાં ફાયરિંગ કરતા પિતા હનીફ અને પુત્ર મદિનને ગોળીઓ લાગતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.

(9:19 pm IST)