Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

દિવાળી વેકેશન બાદ કાલથી હાપા યાર્ડમાં ખેડૂતોની જણસી વેચાણનો થશે પ્રારંભ

જામનગર : ગુજરાતમાં જામનગરના હાપા માર્કેટયાર્ડમાંખેડૂતો(Farmers)પોતાનો પાક લઇને વેચાણ માટે આવી રહ્યા છે. તેમજ પાકની માર્કેટ યાર્ડમાં આવક શરૂ થઈ ગઈ છે. જેમાં દિવાળીમાં પાંચ દિવસની રજાઓ બાદ હાપા યાર્ડ ફરી ખુલ્યું છે. જેના પગલે ખેડૂતો કપાસ, મગફળી સહિતના પાક લઇને બજારમાં પહોંચી રહ્યા છે. જો કે ખેડૂતોના માલની હરાજીની સમગ્ર પ્રક્રિયા મંગળવારે લાભ પાંચમથી જ શરૂ થશે.

આ ઉપરાંત રાજ્યમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના માર્કેટિંગ યાર્ડ સોમવારથી શરૂ થયા છે. તેમજ આ બજારોમાં પણ ખેડૂતો મોટી સંખ્યા તેમના પાકના વેચાણ માટે આવી રહ્યા છે. જેમાં રાજકોટના ગોંડલ અને જસદણ માર્કેટ યાર્ડમાં પણ ખેડૂતો મોટી સંખ્યામાં તેમના પાકના વેચાણ માટે આવી રહ્યા છે.

આ ઉપરાંત ગુજરાત સરકાર પણ મંગળવારથી ટેકા ભાવે અનેક પાકની ખરીદી શરૂ કરશે.રાજ્ય ભરમાં લાભ પાંચમના શુભ મુહૂર્તથી ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ થશે. રાજ્યના દરેક જિલ્લા મથકે કલેક્ટરની આગેવાનીમાં ખરીદી માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. આ રચના કરીને ટેકાના ભાવે ખરીદીનું કામ સોંપવામાં આવ્યું છે. રાજ્યના પુરવઠા નિગમ ખાતા દ્વારા આ ખરીદી કરવામાં આવશે.

જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 2 લાખ 65 હજારથી વધુ ખેડૂતોએ ઑનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. એક વખતમાં એક ખેડૂત પાસેથી 2500 કિલો મગફળીની ખરીદી થશે. જે બાદ વધુ જમીન હશે તો જમીનના પ્રમાણમાં વધુ મગફળીની ખરીદી કરવામાં આવશે. ત્યારે લાભ પાંચમ ખેડૂતો માટે શુભ નીવડે તેવી આશા બંધાયેલી છે.

(9:37 pm IST)