Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ભાવનગરમાં ડૂબી જવાથી અને ખારીમાં વિજળી પડતા ૨ તરૂણના મોત

જુદી-જુદી ૨ દુર્ઘટનાથી અરેરાટી : શિહોર પંથકમાં ખેતરમાં કામ કરતા તરૂણનું મોત થતા ઘેરો શોક

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૯ : ભાવનગરમાં ડુબી જવાથી એક તરૂણનું અને શિહોરના ખારી ગામની સીમમાં વિજળી પડવાથી બીજા એક તરૂણનું મોત નિપજ્‍યું છે. આવી રીતે ૨ દુર્ઘટનામાં ૨ તરૂણના મોતથી અરેરાટી વ્‍યાપી છે.

ભાવનગરના ભરતનગર વિસ્‍તારમાં પાણી ભરેલા ખાડામાં પડી જતાં ૧૧ વર્ષના બાળકનું મોત નીપજયું છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ ભાવનગરના ભરતનગર વિસ્‍તારમાં GMDG રોડનજીક પ્રધાનમંત્રી આવાસ યોજનાના ચાલી રહેલા કામના ખાડામાં પાણી ભરાયેલા ખાડામાં ડૂબી જતા ક્રિષ હીરાનંદભાઈ માલવાણી નામના ૧૧ વર્ષના તખ્‍તેશ્વર રેસિડન્‍સીમાં રહેતા બાળકનું કરૂણ મોત નિપજયું હતું. બનાવની જાણ થતાં ભરતનગર પોલીસનો સ્‍ટાફ બનાવના સ્‍થળે દોડી ગયો હતો. આ બનાવથી ગમગીની ફેલાઇ જવા પામી હતી.

ભાવનગર જિલ્લામાં ગઇ કાલે સાંજે ભારે પવન ફૂંકાયો હતો અને અમુક જગ્‍યાએ વરસાદના ઝાપટાં વરસી ગયા હતા સિહોરના ખારી ગામે વીજળી પડતા ખેતરમાં કામ કરતાં ૧૫ વર્ષના તરૂણનું મોત નીપજયું હતું.

ગોહિલવાડ પંથકમાગઈ કાલેᅠ બપોર બાદ વરસાદી માહોલ ઉભો થયો હતો. ભાવનગર શહેરમાં સાંજે વંટોળિયો ફૂંકાયો હતો. અને શહેરના કાળીયાબીડ,ᅠ ઘોઘારોડ સહિતના વિસ્‍તારોમાં વરસાદના ઝાપટાં વરસી ગયા હતા. ભાવનગર શહેરમાં ૨ મિમી વરસાદ નોંધાયો છે .

જયારે ભાવનગરના સિહોર પાસેના ખારી ગામે આજે સાથે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો અને વીજળી પડતા ખેતરમાં કામ કરી રહેલા અમૂલ લીંબાભાઇ પરમાર ઉં.વ.૧૫ નામના તરૂણનું મોત નીપજયું હતું. સિહોરના ખારી મઢડા અને આજુબાજુના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ પડયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. છેલ્લા બે દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ ઊભો થયો છે. મેઘરાજાની વહેલી પધરામણી થશે તેવી ખેડૂતોમાં આશા બંધાણી છે.

ભાવનગરમાં મહત્તમ તાપમાન ૩૭.૫ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૮.૬ ડિગ્રી નોંધાયું છે જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા અને પવનની ઝડપ ૨૪ કિ.મી. પ્રતિ કલાકની રહેવા પામી છે. ભાવનગર શહેરમાં ૨ મીમી વરસાદ નોંધાયો છે.

(11:46 am IST)