Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઉકળાટ સાથે વાદળા યથાવત

સાંજના સમયે અમુક વિસ્‍તારોમાં વરસતો કમોસમી વરસાદઃ બપોરે અસહ્ય ગરમી

રાજકોટ તા. ૯ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અસહ્ય ઉકળાટ સાથે વાદળા યથાવત છે. અને દરરોજ સાંજના સમયે અમુક વિસ્‍તારોમાં વરસાદ પણ વરસી જાય છે.
મંગળવારે સાવરકુંડલા અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વરસાદ વરસ્‍યા બાદ કાલે બુધવારે પણ સાવરકુંડલા, અમરેલી, બોટાદ પંથકમાં  કમોસમી વરસાદ પડયો હતો.
જો કે આવા વાતાવરણ વચ્‍ચે અસહ્ય ગરમી યથાવત છે.
સાવરકુંડલા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારનાં વાતાવરણમાં પલટો જોવા મળ્‍યો હતો. સતત બીજા દિવસે ગ્રામ્‍ય વિસ્‍તારમાં વરસાદી માહોલ છવાયો હતો. સાવરકુંડલામાં આજે બીજા દિવસે પણ ગાજવીજ સાથે એક ઇંચ જેટલો વરસાદ વરસ્‍યો છે. જેના હિસાબે આ પંથકમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ  વાવણીલાયક વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે. કાલે ભમોદ્રા, નાળ, છાપરી સહિતના ગ્રામ્‍ય વિસ્‍તારમાં આજે વરસાદ વરસ્‍યો હતો.
ભાવનગર
ગોહિલવાડ પંથકમાં કાલે પણ બપોર બાદ વરસાદી માહોલ જામ્‍યો હતો. શહેરમાં સાંજે વંટોળિયો ફૂંકાયો હતો અને શહેરના કાળિયાબીડ ઘોઘા રોડ સહિતના વિસ્‍તારોમાં વરસાદના ઝાપટા વરસી ગયા હતા. શહેરમાં ૨ મીમી વરસાદ નોંધાયો છે.
સાવરકુંડલા
સાવરકુંડલા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં બપોર બાદ પણ મેઘરાજાની ધમાકેદાર એન્‍ટ્રી જોવા મળી છે. આજે બપોરના ત્રણ વાગ્‍યા બાદ તાલુકાના મોટા ભમોદરા, નાળ સહિતના આસપાસના ગામોમાં વરસાદ વરસી રહ્યો હતો અને બીજા દિવસે પણ વરસાદ વરસતા ખેડૂતોનાં ખેતરો રસ તરબોળ થયા હતા. ખેડૂતો જણાવી રહ્યા છે કે વરસાદ હવે વાવણી લાયક થઇ ગયો છે. ત્‍યારે ચોમાસાની શરૂઆતમાં જ વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જો કે ગઇ કાલે દોઢથી બે ઇંચ જેટલો વરસાદ હતો પરંતુ આજે એક ઇંચથી વધારે વરસાદ નથી પડયો તેવા સમાચારો મળી રહ્યા છે.
બોટાદ
બોટાદ શહેરમાં સાંજના સમયે અચાનક કાળા ડિબાંગ વાદળો આગમન થતા સિઝનના પ્રથમ વરસાદમાં જ મેઘરાજા મન મુકીને વરસતા અબાદ વૃધ્‍ધો સહિત યુવાનોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ઉનાળાની અસહ્ય ગરમી અને ઉકળાટને કારણે પરેશાન લોકોએ આજે મેઘરાજાની ધમાકેદાર એન્‍ટ્રી થતા અસહ્ય ગરમીમાં રાહત મેળવી ઠંડકનો અહેસાસ કર્યો હતો.
મતિરાળા
લાઠીના મતિરાળામાં બપોર બાદ ભારે પવન ગાજવીજ સાથે વરસાદની એન્‍ટ્રી થઇ હતી. ભારે પવનને લઇ નળિયા ઉડી ગયા હતા. ધૂળની ડમરીને લીધે ઘરોમાં ધૂળ ઘુસી ગઇ હતી. વીજળી ગુલ થઇ ગઇ હતી. રોડ રસ્‍તા પર પાણી ફરી વળ્‍યા હતા.

 

(11:31 am IST)