Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

કચ્‍છ જિલ્લામાં લીડ બેંક દ્વારા આયોજિત ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામમાં વિવિધ બેંકો દ્વારા ૩૩૭૭ લાભાર્થીઓને રૂ.૨૩૭ કરોડની લોન અપાઈ

બેંકો સરકારની યોજનાઓને છેવાડાના નાગરિકો સુધી પહોંચાડી વિકાસમાં મદદરૂપ બની રહી છે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૯ : ᅠ લીડ બેંક સેલ- બેંક ઓફ બરોડા દ્વારા ક્રેડિટ આઉટરીચ પ્રોગામનું આયોજન ભુજ ટાઉનહોલ ખાતે કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં કચ્‍છ જિલ્લાની વિવિધ સરકારી બેંકો દ્વારા અલગ અલગ સરકારી યોજનાના કુલ ૩૩૭૭ લાભાર્થીને કુલ રૂ.૨૩૭ કરોડની લોન મંજૂર કરાઈ હતી અને મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્‍યા હતા. આ યોજનાઓમાં સ્‍વસહાય જૂથોને લોન, પ્રધાનમંત્રી સ્‍વનિધિ યોજના, મુદ્રા યોજના, હોમ લોન, ટ્રેક્‍ટર લોન, એજયુકેશન લોન અન્‍ય યોજનાઓનો સમાવેશ થાય છે.ᅠ

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખᅠપારુલબેન કારાએ મુખ્‍ય અતિથી તરીકે હાજરી આપી હતી. તેઓએ બેંક સેક્‍ટરની કામગીરીને બિરદાવીને જણાવ્‍યું હતું કે, બેંક સરકારની યોજનાઓને છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે. આમ છેવાડાના લોકોના વિકાસની સાથે દેશનો વિકાસ થાય છે. સરકારમાં પારદર્શિતાનો પર્યાય બેંકો બની છે કારણ કે સરકારી યોજનાઓનો સીધો લાભ લોકોના ખાતામાં જઈ રહ્યો છે. આધારકાર્ડ જેવી સેવાઓમાં પણ બેંક મદદ કરી રહી છે. કચ્‍છ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે અગ્રેસર હોવાથી ધંધા-રોજગાર માટે બેંકની સુવિધાઓ ખૂબ જ જરૂરી છે. બેંક દ્વારા આપવામાં આવતી આર્થિક મદદના લીધે ધંધા રોજગારનો વિકાસ થઈ રહ્યો છે. ખાસ કરીને મહિલાઓ પગભર થાય અને આર્થિક સદ્ધર બને તે માટે બેંક વધુ સારા પ્રયાસો કરે એમ આ તકે તેઓએ અનુરોધ કર્યો હતો.ᅠ

બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર શ્રી વિજયકુમાર બસેઠાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્‍યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની આગેવાનીમાં સરકારે અનેકવિધ યોજનાઓ નાગરિકો માટે લોન્‍ચ કરી છે. કચ્‍છ જિલ્લામાં વિકાસ માટે બેંકો હંમેશા તત્‍પર છે. વિવિધ સરકારી યોજનાઓનો લાભ તમામ નાગરિકોને લેવા માટે તેમણે અપીલ કરી હતી.

બેંક ઓફ બરોડાના રીઝનલ મેનેજરᅠ જગજીત કુમારે સ્‍વાગત પ્રવચન કર્યું હતું, જયારે લીડ બેંક મેનેજર શ્રી મહેશકુમાર દાસે આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલનᅠકપિલ ગોસ્‍વામી દ્વારા કરવામાં આવ્‍યું હતું.ᅠ

આ કાર્યક્રમમાં ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રી ઘનશ્‍યામભાઈ ઠક્કર, જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના જનરલ મેનેજરᅠ કનક ડેર, હેન્‍ડીક્રાફટના આસિ. ડાયરેક્‍ટરᅠ રવિવીર ચૌધરી, બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના રીજનલ મેનેજરᅠ મારૂતિ રંજન તિવારી, સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયાના અધિકારીᅠશંકર મહાદેવન ઐયર, નાબાર્ડ ડીડીએમᅠનિરજ કુમાર, વિવિધ બેંકોના બેંક મેનેજરશ્રીઓની સાથે પદાધિકારીઓ, કર્મચારીઓ અને લાભાર્થીઓએ મોટી સંખ્‍યામાં હાજરી આપી હતી.

(12:29 pm IST)