Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટઃ રવિવારે કેશોદમાં મેઘરાજાને મનાવવા પદયાત્રા

આખો દિવસ ધૂપ-છાંવનો માહોલઃ ચિંતાના વાદળા છવાયાઃ બપોરે ઉનાળા જેવી ગરમી

રાજકોટ તા. ૯ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટ સાથે મિશ્ર વાતાવરણ અનુભવ થઇ રહ્યો છે. અને લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે. આવા વાતાવરણ વચ્ચે મેઘરાજા તૂટી પડે તેવી આશા લોકો રાખી રહ્યા છે.

વરસાદ ખેંચાતા મેઘરાજાને મનાવવા માટે રવિવારે કેશોદમાં પદયાત્રાનું આયોજન  વેપારીઓ દ્વારા કરાયુ છે.

દરરોજ બપોરના સમયે ધોમધખતા તાપ સાથે લોકોને આકરા ઉનાળાનો અનુભવ થઇ રહ્યો છે.

ત્યારે હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ શહેર અને રાજયમાં રવિવારથી ચોમાસુ ફરી સક્રિય થઇ રહયું છે અને આગામી ૧૧ થી ૧૩ જુલાઇ દરમિયાન વરસાદ પડવાની પણ આગાહી વ્યકત કરવામાં આવી છે. ચોમાસાને સક્રિય થવા માટે જે સાનુકુળ પરિસ્થિતિ હોવી જોઇએ તે સ્પષ્ટ વર્તાઇ રહી છે. બીજી તરફ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના પગલે જે સ્થિતિ જોવા મળી રહી છે તેને જોતા ચોમાસું  આગામી બે દિવસમાં પૂર્ણતઃ સક્રિય થઇ જશે. બીજી તરફ રવિવારના રોજ જો વરસાદ આવશે તો મહત્તમ તાપમાનમાં સીધો જ ર ડીગ્રી જેટલો  ઘટાડો નોંધાશે. ત્યારે આગામી ર૪ કલાક બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટા-છવાયા વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી રહી છે. સામે હાલ જે હવામાં ભેજનું પ્રમાણ અને પવનની ગતિ જોવા મળી રહી છે તેને જોઇ સિસ્ટમ ફરી સક્રિય થઇ રહી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.

કેશોદ

(સંજય દેવાણી -કમલેશ જોશી દ્વારા) કેશોદ : સમગ્ર સોરઠમાં મેઘરાજા રૂઠયા છે ત્યારે વેપારીઓ અને ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ત્યારે કેશોદ શહેરમાં વિવિધ વેપારી સંગઠનો દ્વારા પદયાત્રાનું આયોજન કર્યું છે.

કેશોદ શહેરમાં જુનાં પ્લોટમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર થી શ્રી જલારામ મંદિર આંબાવાડી કેશોદ સુધી ભજન કીર્તન કરતાં કરતાં મેઘરાજાને રીઝવવા પદયાત્રા તા. ૧૧/૭/૨૦૨૧ રવીવારે સાંજે ચાર કલાકે યોજવાનું આયોજન કરવામાં આવેલછે. જેમાં કેશોદના પ્લાસ્ટિક એશોશીએસન, મોબાઈલ એશોશીએશન અને વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગદળ નાં હોદેદારો અને આગેવાનો પદયાત્રા માં જોડાશે.

આ પદયાત્રામાં કેશોદ વિશ્વ હિન્દુ પરિષદનાં મેહુલભાઈ ગોંડલીયા, કેશોદ મોબાઈલ એશોશીએશનનાં પ્રમુખ રાજુભાઈ બોદર અને કેશોદ પ્લાસ્ટિક એશોશીએસનનાં મિતલભાઈ પલાણ, હરેશભાઈ કારીયા,તેજશભાઈ બુધ્ધદેવ અને જયેશભાઈ કારીયા ઉપરાંત શ્રી જલારામ મંદિર નાં રમેશભાઈ રતનધાયરા દિનેશભાઈ કાનાબાર સહિતના ટ્રસ્ટીઓ દ્વારા સર્વે ભાવિકો ભકતોને સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ પધારવા અપીલ કરી છે.

(11:49 am IST)