Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

સરકારની ગાઇડ લાઇન મુજબ માત્ર ર૦૦ નિમંત્રીતોની ઉપસ્થિતિમાં

રવિવારથી ભવનાથમાં ભાગવતાચાર્ય પૂ. રમેશભાઇ ઓઝાની ઓનલાઇન ગિરનારી ભાગવતી કથાગંગાનો પ્રારંભ

ગુરૂ ગોરખનાથ આશ્રમ ખાતે પૂ. શેરનાથબાપુની નિશ્રામાં સૌ પ્રથમ કથાનું આયોજનઃ અમેરિકા નિવાસી પંચમતીયા પરિવાર મનોરથીઃ કથાનું થશે જીવંત પ્રસારણઃ ૧૭૦ દેશનાં ૧૪ લાખ લોકો ઓનલાઇન કથાનું કરશે શ્રવણ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૯: જુનાગઢનાં ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટી સ્થિત શ્રી ગુરૂ ગોરખનાથ આશ્રમ ખાતે પ્રખર ભાગવતાચાર્ય પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની ઓનલાઇન ગિરનારી ભાગવતી કથા ગંગાનો આગામી તા. ૧૧ જુલાઇ રવિવારના રોજ સવારના ૯-૩૦ થી પ્રારંભ થશે જેની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

ગુરૂ ગોરખનાથ આશ્રમ ખાતે ગઇકાલે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં મિડીયા સાથેની વાતચીતમાં મહંતશ્રી શેરનાથબાપુએ જણાવેલ કે, તેમના આશ્રમ ખાતે સૌ પ્રથમ કથા યોજાઇ છે. અને તે પણ પ્રખર ભાગવતાચાર્ય પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વકતાપદે વિશ્વ શાંતિ અને કલ્યાણ માટે ૧૧ થી ૧૮ જુલાઇ દરમ્યાન સવારના ૯-૩૦ થી ૧-૩૦ વાગ્યામાં ગીરનારી ભાગવતી કથા ગંગાનું આયોજન કરાયું છે.

પૂ. બાપુએ વધુમાં જણાવેલ કે, હરિ અને હરનાં ચરણમાં કથા ગંગાનું આયોજન દિવ્ય અને ભવ્ય બની રહેશે. ભાગવતી કથા ગંગા દરમ્યાન ગૂપ્ત નવરાશ પણ હોવાથી આપતિ અને વિપતીનાં સમયમાં કથા ગંગાનું આયોજન શ્રેષ્ઠ રહેશે.

સરકારની ગાઇડ લાઇન મુજબ કથા ગંગાનાં મનોરથી અમેરિકા નિવાસી શ્રીમતી પ્રજ્ઞાબહેન પંકજભાઇ પંચમતીયા પરિવાર છે.

આ તકે પૂ. ભાઇશ્રીનાં અનન્ય સેવક ભાઇશંકરભાઇ અને સાંદીપની આશ્રમના હાર્દિકભાઇ જોશીએ જણાવેલ કે, પૂ. ભાઇશ્રીની ઓનલાઇન કથા ગંગા માત્ર ર૦૦ નિમંત્રિતો માટે આયોજીત કરવામાં આવી છે. આમંત્રિતોને ટેમ્પરેચર માપીને જ કથા સ્થળે પ્રવેશ આપવામાં આવશે તેમજ સોશ્યલ ડિસ્ટસન્સ જાળવવાની સાથે આમંત્રિતો માસ્ક પહેરવાનું રહેશે.

તેઓએ જણાવેલ કે, કથા પ્રસંગે ગિરનાર ક્ષેત્રના સંતો તેમજ દહાણુ જગ્યાના સ઼તો-મહંતો હાજરી આપશે. જયારે મનોરથી અમેરિકાથી ઓનલાઇન જોડાશે. રાજ દ્વારેથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સહિત મહાનુભાવોને પરત્યક્ષ કથા શ્રવણ માટે આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

તેઓએ જણાવેલ કે, સંસ્કાર ચેનલ અને સાંદીપનીની ટીવી યુ-ટયુબ ચેનલ પર કથા ગંગાનું જીવંત પ્રસારણ થશે આ માધ્યમથી ૧૭૦ દેશનાં ૧૪ લાખથી વધુ લોકો ઓનલાઇન કથા શ્રવણનો લાભ લેશે.

કથા ગંગાનું આયોજન ર૦૦ આમંત્રિતો માટે જ સિમીત રાખવામાં આવેલ છે. કથા પ્રારંભ પૂર્વે તા. ૧૧ના રોજ સરકારની ગાઇડ લાઇન મુજબ ભવનાથ મહાદેવ મંદિર ખાતેથી પોથીયાત્રા યોજાશે.

કથા ગંગાનું આયોજન કોઇ પ્રકારનાં ફંડ કે ડોનેશન માટે નહિ પરંતુ માત્રને માત્ર વિશ્વ શાંતિ-કલ્યાણ માટે છે તેમ જણાવી તેઓએ ઉમેર્યું હતું કે, ૧૧ થી ૧૮ જુલાઇ દરમ્યાન કથા સ્થળે રાત્રે ભજન સમ્રાટ નિરંજન પંડયા પદ્મશ્રી લોકસાહિત્યકાર ભીખુદાનભાઇ ગઢવી સહિતનાં લોક કલાકારોની સંતવાણી પણ યોજાશે.

કથા સ્થળે સેનેટાઇઝર અને માસ્કની વ્યવસ્થા સાથે ભોજન પ્રસાદની પણ ગોઠવણ કરવામાં આવી છે. કોરોના મહામારીમાં લોકો માનસિક પરિતાપથી મુકત થાય તે માટે અધ્યાત્મ ભાવ સાથે સંતોનાં સાનિધ્યે આયોજીત પૂ. ભાઇશ્રીની ગિરનારી ભાગવતી કથા ગંગા દરમ્યાન રૂક્ષ્મણી વિવાહ સહિતનાં પ્રસંગો ભવ્ય રીતે મનાવવામાં આવશે. જેનો સૌને ઓનલાઇન લાભ લેવા અનુરોધ કરાયો છે.

પૂ. ભાઇશ્રીની ઓનલાઇન ગિરનારી ભાગવતી કથા ગંગાની સફળતા તેમજ કોરોના ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન થાય તે માટે મહંતશ્રી શેરનાથ બાપુના સેવકો તેમજ સાંદીપની આશ્રમ-પોરબંદરનાં ઋષિકુમારો વગેરે સેવા આપી રહ્યા છે.

(11:59 am IST)