Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

વડિયા લમ્‍પીગ્રસ્‍ત ગૌમાતાના આઇસોલેશન સેન્‍ટરની મુલાકાતે મામલતદાર ખોડભાયા

તાલુકા પશુ ચિકિત્‍સકને જરૂરી દવા અને સુવિધાઓ બાબતે સૂચનાઃ લમ્‍પી રોગથી થતા ગૌમાતાના મૃત્‍યુથી ગૌ પ્રેમીઓમાં દુઃખની લાગણી

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા, તા.૯: અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયા વિસ્‍તાર માં પશુઓમાં પ્રસરતા લમ્‍પી નામના રોગથી ૪૦ જેટલી ગૌ માતાના મોત નીપજયા છે. ત્‍યારે આ રોગ ને ડામવા માટે અને તેનો ફેલાવો (ચેપ) અટકાવવા માટે વડિયા સરપંચ મનીષ ઢોલરીયા અને ગૌ ભક્‍તોની ટીમ દ્વારા મામલતદારશ્રીની સૂચના થી એક અલગ સારવારની વ્‍યવસ્‍થા માટે આઇસોલેશન સેન્‍ટર પાઠશાળાની જગ્‍યામા ઉભું કરવામાં આવ્‍યુ છે. દાતાઓના સહયોગથી ઘાસચારો અને તાલુકા પશુ ચિકિત્‍સકના માર્ગદર્શન નીચે સ્‍થાનિક ડોક્‍ટર દ્વારા બીમાર ગાયોની સારવાર કરવામાં આવે છે. હાલ થોડા સમયથી વડિયામા લમ્‍પી કહેરનુ પ્રમાણ વધતા વડિયા મામલતદાર ખોડભાયાને રજુવાત મળતા તેઓ દ્વારા બપોરના સમયે રૂબરૂ આઇસોલેશન સેન્‍ટરની મુલાકાત લેવામાં આવી હતી. આ સેન્‍ટરમા કુંકાવાવ તાલુકાના પશુ ચિકિત્‍સકને બોલાવી સાથે ૧૯૬૨ની ટીમને પણ બોલાવીને લમ્‍પીથી પશુઓના મૃત્‍યુ અને સારવારની સમીક્ષા કરવામાં આવી હતી. આ તકે મામલતદાર દ્વારા પશુ ચિકિત્‍સક કોટડીયાને જરૂરી દવા સહીતની સુવિધાઓનો જથ્‍થો પુરો પાડવા અને પૂરતી સારવાર બાબતે સમય અને દેખેરેખ રાખવા સાથે ૧૯૬૨ ટોલ ફ્રી પશુ દવાખાનાના સ્‍ટાફને પણ સૂચના આપવામાં આવી હતી. જોકે માલધારીઓ દ્વારા પશુને લમ્‍પી રોગ માટે રસીકરણમાં સહયોગ ના આપવા અને લમ્‍પીગ્રસ્‍ત પશુઓને બજારોમાં રખડતા મૂકી આપે છે તે માટે પણ કાર્યવાહી કરવા અનુરોધ કરાયો હતો. લમ્‍પી રોગના રસીકરણ બાબતે માલધારીઓ સાથે વાતચીત અને સમજાવટ કરવા પણ મામલતદાર દ્વારા સહકાર આપવાની ખાત્રી અપાઈ હતી. આ તકે ગૌ સેવકોની કામગીરીને બિરદાવીને ગૌ માતાની સારવારમા જયાં પણ જરુર પડ્‍યે મદદ માટે તેમનો સંપર્ક કરવા પણ જણાવાયું હતું.

(10:20 am IST)