Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

ભાવનગરના રૂપાવટીના ગરીબ પરિવારના યુવાનની બાસ્‍કેટ બોલના આંતરરાષ્‍ટ્રીય ખેલાડી સુધીની યાત્રા

હીરા બજારમાં હીરા ઘસતા યુવાનનું જીવન હીરાની જેમ ચમકી ઉઠયું

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા.૯:  સૂરતના જાણીતા બાસ્‍કેટ બોલ કોચ રાજેશ ભાલાવાળા એક ગરીબ પરિવારના યુવાન બાસ્‍કેટ બોલ ખેલાડી બન્‍યો તેની વાત કરતા કહે છે કે, એક નાનકડા ગામનો યુવાન.....આર્થિક રીતે સંકડામણ અનુભવતો યુવાન બારમું ધોરણ પાસ કરીᅠ રોજગારી માટે સૂરતની વાટ પકડી લીધી એવા યુવાનને બાસ્‍કેટ બોલના એક કોચ મળી ગયા અને શરૂ થઈ બાસ્‍કેટ બોલના આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકેની જીવન યાત્રા.....

વાત જાણે એમ છે કે, ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામનો વતની અને આર્થિક રીતે સંકડામણ અનુભવતો ગરીબ પરિવાર નોᅠ વિવેક ગોટી નામનો યુવાન ગામમાં ધો. ૧૨ નો અભ્‍યાસ પૂરો કરી રોજગારી માટે એક દિવસ હીરા ઘસાવા સૂરતની વાટ પકડી....વિવેકᅠ ૬ ફૂટ.... ૮ ઇંચ ની ઉંચાઈ ધરાવતો હતો,ᅠ વિવેક ગોટીને કલ્‍પના પણ નહીં હોય કે સૂરત માં હીરા ઘસતા ઘસતા પોતે હીરાનીᅠ ની જેમ ઘસાઈ ને એક દિવસ એ પોતે હીરો બની જશે.

હીરા બજારમાં મંદી આવતા હીરાની દલાલી તરફ વળવાની વિવેક ગોટી ને ફરજ પડી ત્‍યારે તેના એક મિત્ર એ શહેર ના નામાંકીત બાસ્‍કેટ બોલ ખેલાડી અને કોચ એવા રાજેશ ભાલાવાળા સાથે મુલાકાત કરાવી.

રાજેશભાઈ વિવેકની ઊંચાઈ જોઈ બાસ્‍કેટ બોલના અસલᅠ ખેલાડી તરીકે હીરાને પારખી ગયાં....બસ પછી તો સૂરત યુનિવર્સિટીના બાસ્‍કેટ બોલ મેદાનમાં સવારે છ વાગ્‍યેથી પ્રેક્‍ટિસ શરૂ કરી અને કોચ રાજેશ ભાલાવાલાની તાલીમમાં બાસ્‍કેટ બોલ ખેલાડી તરીકે જીવનની યાત્રા શરૂ થઇ.

બાસ્‍કેટ બોલની રમત અર્થે કચ્‍છની મુલાકાત દરમિયાનᅠ બાસ્‍કેટ બોલᅠ એસોસીએશનના પ્રમુખશ્રી શક્‍તિસિંહ ગોહિલે તેને રમતો જોયો તેમણે પણ જોયું કે, આ યુવાનમાં અંતરરાષ્ટ્રીય ખેલાડી બનવાની સંભાવના ખૂબ છે.

તેમણે પોતે ખર્ચ ઉઠાવી ભાવનગર બાસ્‍કેટ બોલ એકડેમીમાં એડમીશન કરાવ્‍યું. બસ પછી તો વિવેક વિવિધ સ્‍પર્ધાઓ ટીમને અગ્રેસર કરવામાં મહત્‍વનું યોગદાન આપી નામના મેળવી.

આખરે વિવેક ઉપર ઇન્‍ડિયન નેવીની નજર પડી અને નેવીમાં ઓફિસરની નોકરી સ્‍વીકારી લીધી હાલ ઇન્‍ડિયન નેવીની બાસ્‍કેટ બોલ ટીમના આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે દેશ -વિદેશમાં પ્રતિનિધિત્‍વ કરે છે અને હાલમાં તે લોનાવાલામાં રહે છે.

(10:27 am IST)