Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

કોરોનાકાળમાં મૃતકોના સ્‍મરણાર્થે

મોરબીમાં પૂ. રમેશભાઇ ઓઝાના વ્‍યાસાસને કાંતિભાઇ અમૃતિયા પરિવાર દ્વારા ભાગવત કથા

દરરોજ સવારે ૯.૩૦ થી બપોરના ૧ સુધી કથાનું રસપાન કરાવશે : કથા દરમિયાન ડાયરો - પ્રવચન સહિતના કાર્યક્રમો : ૧૧થી ૧૮ સપ્‍ટેમ્‍બર સુધી આયોજન

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૯ : મોરબીના શક્‍ત શનાળા ખાતે મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલ પટેલ સમાજ વાડી ખાતે પૂર્વ ધારાસભ્‍ય કાંતિલાલ અમૃતિયા દ્વારા તા.૧૨થી ૧૮ સપ્‍ટેમ્‍બર ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા વ્‍યાસપીઠે બિરાજીને પોતાના શ્રીમુખેથી સવારે ૯.૩૦થી બપોરે ૧.૦૦ વાગ્‍યા સુધી કથા શ્રવણ કરાવશે. કથા સંપન્ન થયે દરરોજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે.
મોરબી પુર્વ ધારાસભ્‍ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કોરોના કાળમાં અકાળે મૃત્‍યુને ભેટેલા દિવગતોના આત્‍માના કલ્‍યાણ અને મોક્ષપ્રાપ્તિ અર્થે આગામી તા ૧૨ થી ભવ્‍ય અને દિવ્‍ય ભાગવત કથાનું ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વ્‍યાસાસને આયોજન કરવામાં આવ્‍યું છે. આ આયોજનની વિગતો આપતા તેમણે પત્રકારોને જણાવ્‍યુ હતું કે,
કોરોનાકાળ દરમિયાન તો મેં મારાથી બનતી સેવાઓ ફરજના ભાગરૂપે પુરી પાડી હતી. અને સાથોસાથ એક સંકલ્‍પ કર્યો હતો કે, કોરોના કાળમાં અકાળે મૃત્‍યુ પામેલા તમામ દિવાંગતોના આત્‍માના કલ્‍યાણ અને તેમની મોક્ષ પ્રાપ્તિ માટે હું મોરબી ખાતે ભવ્‍ય અને દિવ્‍ય ભાગવત કથાનું આયોજન કરીશ. સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય ભાઈશ્રી રમેશભાઇ ઓઝાની તારીખ મળી અને કોઈ પણ જ્ઞાતિ સમાજના નાના મોટા પરિવારજનોના કોરોનાથી મૃત્‍ય થયા હોય તે લોકો સદગતના ફોટા પહોંચતા કરે, તે તમામ મૃતાતમાઓને ભાગવતજીમાં સાનિધ્‍યમાં બ્રાહ્મણો દ્વારા પૂર્ણ વિધિવિધાન દ્વારા મોક્ષ પ્રાપ્તિ માટે આદર ભેર આયોજન કરવામાં આવ્‍યુ છે. અને જોતજોતામાં સમાજનાં અઢારે વર્ણના લોકોએ મળી પોતાના અંદાજે ૫૦૦ ફોટા પહોચાડ્‍યા. અને કોઇ પણ જાતના સ્‍વાર્થ વગર આદરેલ કાર્ય વેગવંતુ બનતું ગયું.
૩૫૦૦૦ લોકો બેસી શકે તેવો વિશાલ વોટરપ્રૂફ સમિયાણો તૈયારી પર છે. બપોર કથા વિરામ બાદ દરરોજ મહાપ્રસાદનું આયોજન અને રાત્રે સાંસ્‍કૃતિક ડાયરા,ભજન,પ્રવચન સુપ્રસિધ્‍ધ કલાકારો તેમજ વક્‍તાઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.
કથા દરમિયાન અનેક સંતો મહંતોએ, રાજદ્વારીઓ સહિત મહાનુભાવો પધારી કથા શ્રવણનો લાભ લેશે. કથાને લઈ સમગ્ર મોરબી પંથકમાં અનેરો ઉત્‍સાહ હોવાનું તેમણે જણાવ્‍યું હતુ.
કથા સુભારંભાના એક દિવસ પૂર્વ તા ૧૧ ના રોજ વિશાલ પોથી યાત્રા નીકળશે જે મોરબીના તમામ વિસ્‍તારોમાં ભ્રમણ કરશે અને તમામ જ્ઞાતિ સમાજનાં અગ્રણીઓ, નાગરિકો તેમનાં પર પુષ્‍પવૃષ્ટિ કરી પોથીજીને વધાવશે.
તા. ૧૧ સપ્‍ટેમ્‍બરને રવિવારના રોજ બપોરે ભવ્‍ય શોભાયાત્રા-પોથીયાત્રા યોજાશે જે પોથીયાત્રા તા. ૧૧ ને રવિવારે બપોરે ૩.૩૦ કલાકે ઉમિયા માતાજી મંદિર, ઉમા ટાઉનશીપ મોરબી ૨ ખાતેથી પ્રસ્‍થાન થશે અને શોભાયાત્રા શહેરના સર્કીટ હાઉસ, મહારાણા પ્રતાપ સર્કલ, વાઘજી ઠાકોર પ્રતિમા, વિસીફાટક, ગેસ્‍ટ હાઉસ રોડ, નગર દરવાજા ચોક, વસંત પ્‍લોટ, રામ ચોક, શનાળા રોડ, સુપર માર્કેટ ચોક, સરદાર પટેલ પ્રતિમા, બાપા સીતારામ ચોક રવાપર રોડ, સ્‍વાગત હોલ રવાપર ચોકડી, અવની ચોકડી અને ઉમિયા સર્કલ તેમજ ભક્‍તિનગર સર્કલ સહિતના વિસ્‍તારમાં ફરીને શક્‍તિ માતાજી મંદિર શનાળા ગામથી પટેલ સમાજ વાડી પહોંચશે
જે શોભાયાત્રા-પોથીયાત્રાનું વિવિધ સ્‍થળોએ સમાજ આગેવાનો દ્વારા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા, વેપારીઓ અને રહેવાસીઓ દ્વારા સ્‍વાગત કરવામાં આવશે પોથીયાત્રાને પુષ્‍પવૃષ્ટિથી વધાવશે.

 

(11:01 am IST)