Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

લોધીકામાં રખડતા ઢોરના ત્રાસથી છુટકારો અપાવતી ગ્રામ પંચાયત

રખડતા ઢોરને પકડી ગામની ગૌશાળામાં અન્‍ય વિભાગ ઉભો કરીને ઘાસચારા - પાણીની પૂરતી વ્‍યવસ્‍થા કરી જીવદયાનું પ્રેરક કાર્ય

(સલીમ વલોરા દ્વારા) લોધીકા, તા.૯: લોધીકામાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ હતો લોકો સતત ભયના માહોલમાં હતા ત્‍યારે લોધિકાની નવ નિયુક્‍ત ગ્રામ પંચાયત ટીમે રખડતા ઢોર ના ત્રાસથી ગ્રામજનોને છુટકારો અપાવતા પંચાયતની સરાહનીય કામગીરીથી લોકોમાં રાહતની લાગણી ફેલાયેલ છે.

અત્રે નોંધનીય છે કે લોધીકામાં રખડતા ઢોરનો ત્રાસ ઘણા લાંબા સમયથી હતો ગામના મુખ્‍ય માર્ગો તેમજ શેરી ગલીઓ માં આખલા (ખુટીયા)ઓ આડેધડ બેસી ટ્રાફિકના પ્રશ્નો સર્જાવા ઉપરાંત અકસ્‍માતના બનાવોમાં પણ વધારો થયેલ હતો ગામના મુખ્‍ય વિસ્‍તારો રામજી મંદિર ચોક ખોડીયાર ચોક બસ સ્‍ટેન્‍ડ સ્‍કૂલ વિસ્‍તાર વગેરે માર્ગો પર આખો દિવસ ઢોર અડીંગો જમાવી બેસી રહેતા જેને કારણે કેટલાક લોકો આખલા (ખુટિયા)ની હડફેડે ચડી ઘાયલ પણ થતા હતા પરિણામે રસ્‍તા વચ્‍ચે પસાર થતાં લોકો વૃદ્ધજનો વિદ્યાર્થીઓ પારાવાર હેરાનગતિ ભોગવતા હતા જેને લઇ ગ્રામ પંચાયતના સરપંચ સુધાબેન વસોયા ઉપસરપંચ દિલીપભાઈ મારકણા પંચાયત સદસ્‍ય પ્રવીણભાઈ ખીમસુરીયા સહિત પંચાયત ટીમે જહેમત ઉઠાવી સામાજિક કાર્યકર ભાવેશભાઈ વસોયા અરવિંદભાઈ હરસોડા પાર્થ ભાઈ ભૂત જય વસોયાᅠ અશ્વિનભાઈ ઝાલાવાડીયા તેમજ અન્‍ય સેવાભાવીઓના સહયોગથી ગામના તમામ રખડતા ઢોરને પકડી ગામની ગૌશાળામાં અન્‍ય વિભાગ ઉભો કરી રખડતા ભખડતા ઢોરને ત્‍યાં રાખી તેમના ઘાસ ચારા પાણીની પૂરતી વ્‍યવસ્‍થા કરી જીવદયાનું પ્રેરક કાર્ય સાથે ગામને રખડતા ઢોરથી મુક્‍તિ અપાવી સરાહનીય કાર્ય કરેલ છે.

(11:43 am IST)