Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

શિવસેનામાંથી શિંદે જૂથ સાથે જોડાવાને બદલે સીધા ભાજપમાં જોડાવા પ્રવાહ શરૂ

મુંબઇ તા. ૯ : મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા ૧-૨ મહિના દરમિયાન ભારે મોટી ઉથલ-પાથલ જોવા મળી છે. એકનાથ શિંદેએ ઉદ્ઘવ ઠાકરેને ભારે મોટો ઝાટકો આપીને પ્રદેશની ગાદી આંચકી લીધી છે. એકનાથ શિંદેને શિવસેનાના ૪૦ ધારાસભ્યો, ૧૦ અપક્ષ અને ૧૨ સાંસદોનો પણ સાથ મળ્યો છે. તે સિવાય શિવસેનાના અનેક પદાધિકારીઓ પણ ટીમ શિંદેમાં સામેલ થયા છે. હજુ પણ અનેક નેતાઓનો શિવસેના છોડવાનો સિલસિલો ચાલુ જ છે. જોકે હવે તેમાં એક નવો ટ્વિસ્ટ આવ્યો છે.ઙ્ગ

ઉદ્ઘવ ઠાકરેનો સાથ છોડનારા મોટા ભાગના નેતાઓ ટીમ શિંદેમાં જોડાઈ રહ્યા હતા પરંતુ હવે તેમને ભાજપમાં જોડાવા સામે પણ કોઈ જ વાંધો નથી. ભાજપ દ્વારા પણ તેમનું ખુલ્લા દિલે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જોકે ભાજપના આ પગલાંથી ટીમ શિંદેના અનેક નેતાઓ નારાજ છે.

તાજેતરમાં અમરાવતી જિલ્લાના ઉદ્ઘવ ઠાકરેની ટીમના શિવસેનાના વર્તમાન જિલ્લાધ્યક્ષ રાજેશ વાનખેડે ગુરૂવારે ભાજપમાં જોડાયા હતા. તેમની સાથે જ અમરાવતી જિલ્લા પરિષદના સદસ્ય, પંચાયત સમિતિના સદસ્ય અને કેટલાક પૂર્વ નગરસેવક પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.ઙ્ગ થોડા દિવસ પહેલા અમરાવતીમાં બાવનકુલેના નિવેદન મામલે પણ ભાજપ-શિવસેના વચ્ચે વિવાદ જાગ્યો હતો. બાવનકુલેએ સાંસદ નવનીત રાણા અને ધારાસભ્ય રવિ રાણા પણ ભાજપમાં જોડાઈ શકે છે તેવા સંકેત આપ્યા હતા. તેમણે એટલે સુધી કહી દીધું હતું કે, અમરાવતીના આગામી સાંસદ અને બડનેરાના આગામી ધારાસભ્ય ભાજપના હશે. ટીમ શિંદેમાં જોડાયેલા શિવસેનાના નેતા આનંદરાવ અડસુલ પણ બાવનકુલેના આ નિવેદનથી રોષે ભરાયા છે. આનંદરાવ અડસુલે કહ્યું હતું કે, જો રાજયમાં ગઠબંધન જાળવી રાખવું હોય તો ભાજપે સંયમપૂર્વક બોલવું જોઈએ.

(1:45 pm IST)