Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

પ્રતિભાને નિખારવા માટેનું પ્લેટફોર્મ છે કલા મહાકુંભ: જિલ્લા કલેક્ટરરી એમ.એ.પંડ્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો ખંભાળિયાની આહીર સમાજ વાડી ખાતે પ્રારંભ:પ્રથમ દિવસે ૧૫ અને દ્વિતીય દિવસે ૦૮ સ્પર્ધાઓ યોજાશે

 દેવભૂમિ દ્વારકા:ગુજરાત સરકારના રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગર હસ્તકની કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર તથા જીલ્લા યુવા વિકાસ અધિકારી,જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી,દેવભુમિ દ્વારકા દ્વારા જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો હતો.

રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા, સાહિત્ય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવતા અલગ-અલગ વય જુથમા સમાવિષ્ટ કલા પ્રવૃતિઓ અને પસંદગી પામેલ કૃતિઓની તાલુકાકક્ષાની સ્પર્ધાઓ સફળતા પુર્વક પુર્ણ થયા બાદ આજથી વે દિવસ સુધી જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું આહીર સમાજવાડી, ખંભાળિયા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે (૧) વકતૃત્વ (૨) નિબંધ લેખન (૩) કાવ્ય લેખન (૪) ગઝલ શાયરી લેખન (૫) લોકવાર્તા (૬) દુહા-છંદ-ચોપાઇ (૭) તબલા (૮) હાર્મોનિયમ (હળવું) (૯) ઓર્ગન, (૧૦) સ્કુલ બેન્ડ (૧૧) શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની) (૧૨) સુગમ સંગીત (૧૩) લગ્નગીત (૧૪) સમુહગીત (૧૫) લોકગીત/ભજન અને દ્વિતીય દિવસે (તા.૧૦/૦૯/૨૦૨૨ ના રોજ) (૧) લોકનૃત્ય (૨) રાસ (૩) ગરબા (૪) ભરતનાટ્યમ (૫) કથ્થક (૬) ચિત્રકલા (૭) એકપાત્રીય અભિનય (૮) સર્જનાત્મક કારીગરી સ્પર્ધા યોજાશે.

  આ તકે સ્પર્ધકોને પ્રોત્સાહિત કરતા જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યાએ જણાવ્યું કે, આજના સમયમાં કલા મહાકુંભનું નામ નવું નથી રહ્યું. સૌ કોઈ આ વિશે જાણે છે. સરકાર દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બાળકો અને યુવાઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને ખીલવવા માટેનું આ પ્રથમ પગલું છે. માનવીનો સ્વભાવ હોય છે કે તે કોઈ પણ વસ્તુમાંથી સારા પાસા ગ્રહણ કરી શકે છે. અને આજે આ મંચ દ્વારા પણ બાળકો અને યુવામાં છુપાયેલી કલાને બહાર લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ મંચના માધ્યમથી આપના અંદર છુપાયેલી કલાને બહાર લાવી તેને ધાર આપીને ખીલવવાનું કાર્ય થઈ રહ્યું છે.

 વધુમાં કલેક્ટરએ જણાવ્યું કે, આજનો સમય એ શ્રેષ્ઠતાનો સમય છે. અને સરકારશ્રી ખેલ મહાકુંભ, કલા મહાકુંભ જેવા આયોજનો કરી આ પ્રતિભાને નિખારવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે. આજે પ્રતિભાને નિખારવા માટેનું પ્લેટફોર્મ એટલે કલા મહાકુંભ. અને બે દિવસ દરમિયાન યોજાનારી સ્પર્ધા હેલ્ધી સ્પર્ધા બની રહે તેમજ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પહોંચી ગામનું તેમજ જિલ્લાનું નામ રોશન કરો તેવી શુભકામના પાઠવું છું.

   આ તકે જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજાએ જણાવ્યું કે, તમામ લોકોમાં કોઈને કોઈ કલા રહેલી હોય જ છે. જરૂર છે માત્ર તેને ખીલવવાની. સરકાર દ્વારા કલા મહાકુંભનું આયોજન કરી આ કલાને ખીલવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. કલાએ માનસિક શાંતિ આપે છે. તેમજ જીવનમાં રહેલી નિરસતાને પણ દૂર કરવાનું કામ કરે છે.

  તમામ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવતા જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે, આ પ્લેટફોર્મના માધ્યમથી તમારી અંદર છુપાયેલી કલાને બહાર લાવો અને તેને શ્રેષ્ઠ બનાવી નવી ઊંચાઈએ પહોંચો તેવી તમામને શુભેચ્છા છે.

આ તકે ખંભાળિયા નગરપાલિકા પ્રમુખ ભાવના બહેન પરમારે જણાવ્યું કે,  બાળકો અને યુવામાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવા માટેનું આ અનેરું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્લેટફોર્મના માધ્યમથી ભવિષ્યમાં કલા ક્ષેત્રે આગળ વધી શકાશે. માટે બાળકો અને યુવાઓ મનમાં કોઈ પણ જાતનો ભય રાખ્યા વગર તેમની અંદર રહેલી કલાને બહાર લાવે તેમજ રાજયકક્ષાની સ્પર્ધાઓમાં પણ વિજય મેળવે તેવી શુભકામના પાઠવું છે.

 આ તકે જિલ્લા શિક્ષણાધિકારી વાઢેરએ પણ પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું. અને મંચસ્થ મહાનુભવોનું શાબ્દિક સ્વાગત જિલ્લા યુવા વિકાસ અધિકારી પરબતભાઇ હાથલીયાએ કર્યું હતું.

  આ તકે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મસરિભાઈ નંદાણીયા, જિલ્લા અગ્રણી પ્રતાપભાઈ પિંડારિયા, જિલ્લા રમત ગમત કચેરીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ, બહોળી સંખ્યામાં છાત્રો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(12:51 am IST)