Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

કચ્છમાં કોરોનાની માહિતી બાબતે કોનો વિશ્વાસ કરવો? એકિટવ કેસ, મોત બાબતે અવઢવ, રાજય સરકાર સાચી કે પછી સ્થાનિક તંત્ર?

શું આમ જ ચાલશે આરોગ્યતંત્ર?, ઓનલાઈન માહિતીઓમાં ગરબડ ગોટાળાથી લોકોમાં અવિશ્વાસ સાથે ચર્ચાઃ નવા ૨૦ કેસ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૯:  વડાપ્રધાન નરેન્દ્રભાઈ એક બાજુ ડિજિટલ ઇન્ડિયાના નારા સાથે સ્વચ્છ વહિવટી પ્રક્રિયા માટે ઓનલાઈન વહીવટ ઉપર ભાર મુકી રહ્યા છે. બીજી બાજુ ગુજરાત સરકારની કોરોના સબંધિત વેબસાઈટ ઉપર કચ્છ જિલ્લાની દર્શાવાયેલી માહિતીની વિસંગતતા લોકોમાં ચર્ચાનો મુદ્દો બની છે. માહિતીની આ વિસંગતતા વિશે વાત કરીએ તો કચ્છ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કોરોના સબંધિત જે આંકડાઓ અપાયા છે. તે આ પ્રમાણે છે.

નવા ૨૦ કેસ સાથે કુલ દર્દીઓ ૨૩૨૯ થયા છે. જયારે એકિટવ કેસ ૩૪૧ છે. સાજા થનાર દર્દીઓ ૧૮૭૪ છે. મૃત્યુ પામનાર દર્દીઓ ૬૮ છે. જોકે ૪૬ દર્દીઓની દ્યટ વચ્ચે મૃત્યુ પામનાર દર્દીઓનો બિનસતાવાર આંકડો ૧૧૪ હોવાની આશંકા છે. પણ, હવે રાજય સરકારના કોરોનાના ડેશબોર્ડ ઉપર રાજયના આરોગ્યતંત્ર દ્વારા ઓનલાઈન મુકાયેલ આંકડાકીય માહિતી જોઈએ તો કચ્છ જિલ્લામાં એકિટવ દર્દીઓ ૭૪૮ દર્શાવાયા છે. જયારે મોત ૩૩ જ બતાવાયા છે. સાજા થયેલા દર્દીઓ ૧૫૮૧ જણાવ્યા છે. આમ, જિલ્લા અને રાજય બંનેના આંકડાઓમાં દ્યણી વિસંગતતા છે.

અહી પ્રશ્ન એ જ છે કે, રાજય સરકાર જયારે સ્વચ્છ વહીવટ માટે કેન્દ્ર સરકારને અનુસરી ઓનલાઈન સેવાઓ અને કામગીરી ઉપર જોર આપી રહી છે. ત્યારે આવી વિસંગતતા રાજય સરકારની પ્રતિષ્ઠા અને છબી સામે સવાલો સર્જે છે. હવે, કોરોનાના આંકડાઓની આ ભુલ કોની છે, કચ્છના વહિવટીતંત્રની કે પછી રાજયના આરોગ્ય વિભાગની?

(11:25 am IST)