Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

સોમનાથ પંથકમાં નવરાત્રિ વાજીંત્ર વેચાણ -રીપેરીંગ વ્યવસાયને કોરોનાનું ગ્રહણ નડયું

દિવસના દસ ઓર્ડર રીપેરીંગ કે ખરીદી માટે ગત વરસે આવતા આ વરસે આખા મહિનામાં માત્ર પાંચ જ ઓર્ડર આવ્યાઃ વાજા-તબલાં વિક્રેતા -રીપેરર

(મીનાક્ષી -ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ, તા.૯: રાજય સરકાર કોરોનાને કારણે નવરાત્રિની મંજુરી આપશે કે નહીં - કેટલા માણસોની પરમીશન હશે- શું નિયમો હશે તેનું સૌ કોઇ ટી.વી. અને અખબારમાં કાગડોળે પ્રતિક્ષા કરી રહ્યા છે ત્યારે નવરાત્રિમાં એ જ ખેલૈયાઓને પોતાના વાજીંત્રો - સૂરના સથવારે અને ઝળહળા રોશનીથી ગરબાના તાલે ઘૂમવા થનગની રહેલા યુવાનો-યુવતીઓ વાજીંત્રો ઉપર થાપ પડે તે સાથે જ સ્વરનો કાન અને લયનો પગ સાથે સંવાદ સધાય છે અને તન્મયતા જોશ અનેક નાના-મોટા વાજીંત્રોને આભારી છે.

ગીર-સોમનાથ પંથકમાં સોમનાથના રામભરોસે પોલિસચોકી પાસે 'શુભમ વાજીંત્ર ભંડાર' વરસો જૂની દૂકાન છે તેના દેવડાભાઇએ જણાવ્યું કે આટલા વરસોની નવરાત્રીમાં ઇતિહાસમાં પહેલીવાર જ કોરોનાને કારણે નવરાત્રી વાજીંત્રોની ખરીદી-રીપેરીંગ સાવ ઠપ્પ થઇ છે. ગત વરસે ભાદરવા મહિનાથી એક દિવસમાં દસથી વધુ  સંગીતવાદકો રીપેરીંગ કરવા કે ખરીદી માટે આવતા હતા જયારે આ વરસે આખા મહિનામાં માત્ર પાંચ જ જેટલા લોકો આવ્યા.

ખાસ કરીને તબલાં, ઢોલ, ઢોલક, નગારા, પખવાજ, નાલ, ગીટાર, આરતી મશીન ધંધાને કોરોનાની વૈશ્વીક મહામારીની અસર પડી છે.

જેના તબલાંની થાાપી-ઢોલીનો ધબકાર, હારમોનીયમની સુરાવલીથી ખેલૈયાઓ પરસેવે રેબઝેબ થઇ જાય ત્યાં સુધી ઝૂમી રહ્યા હોય તેને માટે અનલોક શું જાહેર થાય છે તેની રાહ જોઇ રહ્યા છે.

સોમનાથ વિસ્તાર અને ગ્રામ્ય પંથકમાં હવે લોકો વાજીંત્રવાદકોને બદલે રેર્કોડેડ ટેપ વગાડી ગરબે રમતાં હોય છે તેમજ જે વાજીંત્ર સાથે ગરબી-રમાય છે. તેમાં પણ ઢોલ-તબલાં પખવાજ-ઢોલકને બદલે ડીજે અને વેર્સ્ટન ઇન્સ્ટ્રુમેન્ટોના વાજીંત્રોનું ચલણ વધ્યું હોય તબલાં કે હારમોનીયમની સુરીલી દબાતી ચાંપો આગામી વરસોમાં ઇતિહાસ બની ન જાય તો નવાઇ નહીં.

(10:04 am IST)