Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ટંકારા તાલુકામાં ચાર શિક્ષકો સર્ટીફીકેટમાં ચેડા કરી ઉચ્ચ પગારનો લાભ લેતા હોવાનો ધડાકો

રાજ્યના શિક્ષણ સચિવને સીસીસી પરીક્ષાના ઉતીર્ણ ઉમેદવારોની પ્રિન્ટ સહિતના પુરાવા સાથે જોડયા

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૯:  ટંકારા તાલુકામાં ફરજ બજાવતા સીઆરસી કો ઓર્ડીનેટર, આચાર્ય અને શિક્ષકો સહીત ચાર શિક્ષકો સીસીસી પરીક્ષા પાસ કરી ના હોય છતાં સર્ટીફીકેટ સાથે ચેડા કરી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ લેતા હોવાની અરજી રાજયના શિક્ષણ સચિવને કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

વિગતો મુજબ એક અરજદાર દ્વારા રાજયના શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવને અરજી મોકલવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે સરકારના નિયમાનુસાર સીસીસી પરીક્ષા પાસ કર્યાના આધારે જ ઉચ્ચતર પગાર ધોરણ મળે છે પરંતુ સીસીસી પરીક્ષા પાસ કર્યાના ખોટા આધારો ઉભા કરી સર્વિસ બૂકમાં ખોટી નોંધ પાડી, લોકલ ફન્ડ ગાંધીનગરથી ઉચ્ચતર પગારધોરણ મંજુર કરાવી ભ્રષ્ટાચાર અને ગેરરીતી આચરીને શિક્ષકને ના શોભે તેવું કાર્ય કર્યું છે જીટીયુ દ્વારા લેવાતી કોમ્પ્યુટર કૌશલ્ય સીસીસીની પરીક્ષાનું વ્યકિતગત પરિણામ આવતું નથી પરંતુ જીટીયુની સાઈટ પર આ રીઝલ્ટ અપલોડ કરાય છે જેમાં ટંકારામાં ફરજ બજાવતા ચાર શિક્ષકોએ ઓનલાઈન અપલોડ થયેલ રીઝલ્ટમાં છેડછાડ કરીને પાસ થયેલ ઉમેદવારની જગ્યાએ પોતાનું નામ ગોઠવીને પ્રિન્ટ કાઢી અને સર્વિસ બુકમાં સીસીસી પાસ કર્યાની એન્ટ્રી પડાવી લીધી છે

જેમાં ટંકારાના લજાઈના સીઆરસી કો ઓર્ડીનેટર અને ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શૈલેશભાઈ સાણજાએ સીટ નંબર આર-૧૦૫૭૮૮ પ્રમાણે સર્વિસ બૂકમાં સીસીસી પાસ કર્યાની નોંધ કરેલ છે પરંતુ વેબસાઈટમાં અન્ય નામ બતાવે છે તેવી જ રીતે ટંકારાના વીરપર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા છાયાબેન વિરજીભાઈ માકસણા R ૧૦૫૬૨૦ સીટ નંબર ગણેશપર પ્રાથમિક શાળાના આચાર્ય વિરમભાઇ ખોડાભાઈ દેસાઈએ સીટ નંબર R ૧૧૭૧૮૪ અને ગણેશપર પ્રાથમિક શાળાના શિક્ષક ગંગાબેન રામજીભાઈ દેસાઈ સીટ નંબર R ૧૧૭૧૮૪ થી પાસ કર્યાની નોંધ કરેલ છે પરંતુ વેબસાઈટમાં અન્ય શિક્ષકોના નામ આપેલ સીટ નંબરમાં બતાવે છે આ ચાર શિક્ષકોએ વર્ષ ૨૦૧૩ માં પરીક્ષા આપેલ ના હતી અને સર્વિસ બુકમાં નોંધ કરાવેલ છે જે બાબતે યોગ્ય તપાસ કરાય તો સત્ય બહાર આવશે જેથી ખોટું કરનારને કડક સજાકરવા અને રીઝલ્ટ ચેક કરી સમગ્ર તપાસ કરવા અરજદારે માંગ કરી છે.

બધા શિક્ષકોના સર્ટીફિકેટ વેરીફીકેશન કામગીરી ચાલુ તાલુકા પ્રા.શી.અધિકારી

જે અંગે ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જીજ્ઞાબેન અમૃતિયાએ જણાવ્યું હતુ કે તમામ શિક્ષકોના સર્ટીફિકેટ વેરીફીકેશન કામગીરી શરૂ કરવામાં આવી છે. જે કામ પૂર્ણ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

(12:53 pm IST)