Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

નવરાત્રિમાં આધ્યાત્મ, આસ્થા સાથે આહાર - વિજ્ઞાન જોડાય તો આરોગ્ય જાળવી શકાય

ભુજની જી.કે. જન અદાણી હોસ્પિટલના આહારશાસ્ત્રીએ ગરબા રમવા ઉપરાંત ઉપવાસ એકટાણા દરમિયાન સાવચેતી માટે આપ્યું માર્ગદર્શન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૯ : નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. ગરબા, આરોગ્ય, આધ્યાત્મ, આસ્થા, અને માનસિક શાંતિ પ્રાપ્ત કરવાના આ સુપર્વ નિમિત્તે કરાતા ઉપવાસ એકટાણા વિગેરેને આહાર- વિજ્ઞાન સાથે જોડી દેવામાં આવે તો શરીરનું આરોગ્ય ઉપરાંત સૌંદર્ય જાળવી રાખવા અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના આહારશાસ્ત્રીએ નવરાત્રિ દરમિયાન આહાર-પાણી અને ઊંઘ ઉપર ધ્યાન આપવા માર્ગદર્શન આપ્યું છે.

હોસ્પિટલના આહારશાસ્ત્રી વંદના મૈસૂરાણીએ જણાવ્યુ હતું કે, કોરોનાના કપરાકાળમાંથી પસાર થઈને હાશકારો મેળવવા તથા મનને પ્રફુલ્લિત કરવા માતાજીની આરાધના માટે ગરબા રમવા ઉપરાંત ઉપવાસ વિગેરેને કારણે વ્યકિતની જીવનશૈલી નવરાત્રિ દરમિયાન આંશિકરૂપે બદલાઈ જાય છે, જેમાં પૂરી ઊંઘ ન થવી, ભોજન કે ફળાહાર અનિયમિતપણે લેવાય છે. તેમજ ગરબે રમવાથી શરીરમાં થાક, દૂૅંખાવા જેવી અસર રહે છે. અને શરીરમાંથી પાણી ઓછું થઈ જાય છે.

આ સમય દરમિયાન આહાર ઉપર અને પાણી પીવા પર ધ્યાન આપવું અત્યંત જરૂરી બને છે. શરીરને સતત પાણીની આવશ્યક જરૂરિયાત સંતોષાય તે માટે સતત નિયમિત પાણી પીવું ઉપરાંત લીંબુ શરબત ફ્રૂટ જયુસ, નાળિયેર પાણી, દૂધ- છાશ વિગેરે લેવા પાણી ઉપરાંત પૂરતી કથી ૮ કલાક ઊંઘ લેવી. જયારે આહારમાં રેસાવાળા પ્રોટીનયુકત લીલા પાંદડાવાળા શાકભાજી, ફળોનું જયુસ, એવા ખાધ પદાર્થોનો ઉપયોગ કરવો. જયારે મેંદો કે તેલ મસાલાવાળી વસ્તુનો ઉપયોગ કરવો નહીં. સાવચેતી અંગે તેમણે જણાવ્યું હતું કે, ભોજન આરોગીને, પેટ ભરીને ગરબા રમવા નહીં, ગરબા રમ્યા બાદ તરત જ ઠંડાપીણાં કે આહાર લેવો નહીં

નવરાત્રિ દરમિયાન ઉપવાસ દ્વારા શરીરને ઝેરી પદાર્થથી મુકત કરી જીવંત બનાવાનો મુખ્ય ઉદ્દેશ હોય છે. પરંતુ, એ સમયમાં બજારમાં તૈયાર ફાસ્ટ ફૂડ, ચિપ્સ ન લેવા. જરૂર પડે ત્યારે ફ્રુટ લેવા, અને એકટાણામાં ઝંકફૂડથી દૂર રહેવું. પરંતુ ફાઈબરવાળો ખોરાક આરોગી શકાય, ઘણીવાર એકટાણામાં વધુ ખોરાક એકસાથે ન લેવાય તેની કાળજી રાખવી અન્યથા ઉપવાસનો ઉદ્દેશ ખતમ થઈ જાય અને પાચનતંત્ર ઉપર અસર પડે. મીઠાઇ ઓછી ખાવી.

(11:14 am IST)