Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

જામજોધપુરનાં વનાણામાં વિજળીએ સસરા અને પુત્રવધુ તથા ૩ પશુના ભોગ લેતા અરેરાટી

જામજોધપુર-જામનગર, તા.૯: નવરાત્રિ પર્વના બીજા નોરતે જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં મેઘાવી માહોલ વચ્ચે આકાશી વીજળીએ કહેર વર્તાવ્યો હતો અને બે માનવી તથા ત્રણ ઢોરના આકાશી વીજળી ત્રાટકવાને કારણે મૃત્યુ નિપજ હતા. વાનાણા ગામના વાડી વિસ્તારમાં ખેતી કામ કરી રહેલ સસરા અને પુત્રવધૂ ઉપર વીજળી ત્રાટકતા બંનેના મૃત્યુ નિપજયા હતા. ઉપરાંત અન્ય ગામમાં વીજળી ત્રાટકવાના કારણે બે બળદ અને એક ભેંસનું મૃત્યુ થયું હતું.

જામનગર પંથકમાંથી આમ તો ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે. પરંતુ આજે બીજા નોરતે ઢળતી સાંજે જામનગર જિલ્લામાં વાતાવરણ એકાએક પલટાયું હતું અને ભારે પવન ફૂંકાયો હતો. તેમજ વીજળીના કડાકા-ભડાકા જોવા મળ્યા હતા. દરમિયાન જામજોધપુર તાલુકાના વનાણા ગામમાં રહેતા અને વાડી વિસ્તારમાં ખેતી કામ કરી રહેલા ઇસ્માઇલભાઇ કાસમભાઇ કાતીયાર અને તેમના પુત્રવધૂ નઝમાબેન કાતીયાર ઉપર આકાશી વીજળી ત્રાટકી હતી આથી બંનેના ઘટનાસ્થળેુ જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજયા હતા. જો કે સદનસીબે આ સાથે જ કામ કરતા પરિવારના અન્ય પાંચ લોકોનો બચાવ થયો હતો. આ બનાવની જાણ થતાં જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને તંત્રને જાણ કરતાં જ પોલીસ તેમજ એમ્બ્યુલન્સ સ્ટાફ દોડી આવ્યો હતો.

આ ઉપરાંત તાલુકાના ભૂપત આંબરડી ગામમાં એક ખેડૂતની વાડી ઉપર વિજળી ત્રાટકતા તેના બે બળદ મૃત્યુ નિપજયા હતા. જયારે તાલુકાના નંદાણા ગામમાં પણ વીજળી પડવાથી એક ભેંસનું મૃત્યુ નિપજયું હતું.

આમ જામજોધપુર પંથકમાં આકાશી વીજળી એ કહેર વર્તાવતા બે માનવ અને ત્રણ ઢોરનો ભોગ લેવાયો હતો.

(11:18 am IST)