Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

અમરેલીમાં ત્રિપાંખીયો જંગ ભાજપને ફળ્‍યો : પાંચેય બેઠકો પર વિજય : કોંગ્રેસે સીટો ગુમાવી

અમરેલી જિલ્લાની બેઠકો પર આમ આદમી પાર્ટી ત્રીજા પક્ષ તરીકે ઉભરી આવ્‍યો : નવા પક્ષને પણ ખૂબ મોટા પ્રમાણમાં મતો મળ્‍યા : દિગ્‍ગજ કોંગી નેતાઓ પરેશ ધાનાણી, અમરીશ ડેર, વીરજી ઠુંમર, પ્રતાપ દૂધાતની હાર થઇ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૯ : અમરેલી જિલ્લાની ૫ વિધાનસભાની બેઠકોને લઈને આજે મતગણતરી પ્રતાપરાય આર્ટ્‍સ કોલેજ ખાતે યોજાઈ હતી.વહેલી સવારથી જ ભાજપ,કોંગ્રેસ અને આપના કાર્યકર્તા મતગણતરી સેન્‍ટર પર પરિણામની રાહ જોઈને ઉત્‍સાહ પૂર્વક જોઈ રહ્યા હતા.જોકે બપોરના ૧ વાગ્‍યા ની સાથે જ મોટા ભાગની સીટો પર ચિત્ર સ્‍પષ્ટ થઇ ગયું હતું અને ભાજપની જીતના સંકેતો મળી ગયા હતા. જેથી ભાજપમાં લાંબા સમય બાદ સતા પરત મળવાના જશ્ન જોવા મળ્‍યો હતો જોકે અન્‍ય પક્ષોના કાર્યાલયો અને કાર્યકર્તાઓમાં સોપો પડી ગયો હતો.ᅠ

જિલ્લાની પાંચ બેઠકોની વાત કરીએ તો,અમરેલી બેઠક પર ભાજપના કૌશિક વેકરીયાની ભારે મતોથી ઐતીહાસીક જીત થઇ હતી.કૌશિક વેકરીયાને ૮૯૦૩૪ મતો મળ્‍યા હતા તો કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીને ૪૨૩૭૭ મતો મેળવ્‍યા હતા.આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારએ પણ ભારે જોર દેખાડ્‍યું હતું.આપના ઉમેદવાર રવિ ધાનાણીને ૨૬૪૪૫ માટે મળ્‍યા હતા.ત્‍યારે આપ આ બેઠક પર ત્રીજો પક્ષ તરીકે ઉભરી આવ્‍યો હતો.કૌશિક વેકરીયાનો ૪૬૬૫૭ મતથી ભવ્‍ય વિજય થયેલ હતો અને કોલેજ સર્કલ થી આતશબાઝી તેમજ ઢોલ નગારા સાથે વીશાળ વિજય યાત્રા શહેરના માર્ગો ઉપર નીકળી હતી.

આ બેઠક પર કૌશિક વેકરીયાએ ઐતિહાસિક અત્‍યાર સુધીની સૌથી વધુ લીડથી ભાજપને જીત અપાવી હતી.પહેલા રાઉન્‍ડથી જ કૌશિક વેકરીયા આગળ ચાલી રહ્યા હતા અને છેલ્લે સુધી આગળ જોવા મળી હોતા. કોંગ્રેસના પરેશ ધાનાણી આ બેઠક પર પરેશ ધાનાણી ત્રણ વખતથી ભાજપમાંથી ચૂંટાઈ આવ્‍યા હતા અને છેલ્લી બે ટર્મથી સતત ચૂંટાઈ આવતા હતા તેઓએ દિલીપ સંઘાણી, પરષોત્તમ રૂપાલા,બાવકુ ઉંઘાડ જેવા દિગ્‍ગજ નેતાઓને અત્‍યાર સુધીમાં હરાવી ચુક્‍યા હતા તેવામાં આ વખતની ચૂંટણી પર ભાજપના યુવા નેતા કૌશિક વેકરીયાએ તેમને ૪૬૬૫૭ᅠ ᅠમતોથી હરાવ્‍યા હતા જે અત્‍યાર સુધીમાં સૌથી વધુની લીડ છે.

આ બેઠક પર પરેશ ધાનાણીએ પોતાની હાર સ્‍વીકારી હતી અને કૌશિક વેકરિયાને મળી તેની સાથે બેસીને મીડિયા સાથે વાત કરતા જણાવ્‍યું હતું કે,મને મળેલા કુલ મત કરતા ભાજપની લીડ વધારે છે.અમરેલીના લોકોએ મને ૨૦ વર્ષ સુધી આશીર્વાદ આપ્‍યા અને હવે કૌશિકભાઈ અમરેલીના વિકાસને વેગ આપે તેવી શુભેચ્‍છા આપું છું અને ગુજરાત ભાજપની જીત એતિહાસિક છે.ᅠ

લાઠી વિધાનસભા બેઠક પર કોંગ્રેસના દિગ્‍ગજ નેતા વિરજી ઠુમ્‍મરનો પરાજય થયો હતો.અહીંથી ભાજપ ના જનક તળાવીયા ની જીત થઇ હતી.વીરજી ઠુંમર પહેલા રાઉન્‍ડમાં આગળ જોવા મળ્‍યા હતા જોકે ત્‍યાર બાદના એક પણ્ર રાઉન્‍ડમાં ભાજપાએ તેમને ફાવવા દીધા ન હતા.અહીં વીરજી ઠુંમરને ૧૮ રાઉન્‍ડના અંતેᅠ કુલ ૩૫૫૯૨ મતો મળ્‍યા હતા તો ભાજપના ઉમેદવાર જનક તળાવિયાને ૬૪૮૬૬ મતો મળ્‍યા હતા.તો આપના જયસુખ દેત્રોજાને ૨૬૬૪૩ મતો મળ્‍યા હતા.કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જનક તળાવિયા ને ભાજપે ટિકિટ આપ્‍યા બાદ વિજયની સિદ્ધિ હાંસલ કરેલ હતી.ᅠ ઉદ્યોગપતિ ઉમેદવાર જનક તળાવિયાને ચૂંટણીમાં લોકોએ પણ વધાવી લીધા હતા.ᅠ

 

ધારી વિધાનસભા બેઠક પર સૌથી મોટો ઉલટફેર જોવા મળ્‍યો હતો.અહીં કોંગ્રેસ અને ભાજપ વચ્‍ચે નહિ પરંતુ આપ અને ભાજપ વચ્‍ચે ભારે કટોકટી જોવા મળી હતી.૨૧ રાઉન્‍ડની મતગણતરી બાદ ભાજપના જે.વી કાકડિયાને ૪૬૪૬૬ મતો,આપના કાંતિભાઈ સતાસીયાને ૩૭૭૪૯ મતો મળ્‍યા હતા.અહીં કોંગ્રેસ ત્રીજો પક્ષ રહ્યો હતો અને કીર્તિ બોરીસાગરને માત્ર ૧૭૯૭૮ મતો મળ્‍યા હતા.પ્રથમ ત્રણ રાઉન્‍ડમાં આપ આગળ જોવા મળ્‍યું હતું.આ બેઠક પર વચ્‍ચે ક્‍યારેક આપ તો ક્‍યારેક ભાજપ આગળ રહ્યું હતું અને બાદમાં ભાજપના જેવી કાકડિયાએ છેલ્લા રાઉન્‍ડર્સમાં બાજી મારી હતી.૮૭૧૭ મતો સરસાઈથી જીત હાંસિલ કરી હતી.ᅠ

સાવરકુંડલા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ સામે જંગ જોવા મળ્‍યો હતો.કોંગ્રેસના યુવા નેતા પ્રતાપ દુધાતની અહીં હાર થઇ હતી.ભારે કટોકટી,મતોના ઉતાર ચડાવ બાદ અહીં ભાજપના મહેશ કસવાળાએ બાજી મારી હતી.૨૪ રાઉન્‍ડના અંતે અને લાંબી મતગણતરી બાદ ભાજપના મહેશ કસવાલાને ૬૩૭૫૭ મતો,કોંગ્રેસના પ્રતાપ દુધાતને ૬૦૨૬૫ મતો મળ્‍યા હતા.આપના ઉમેદવારને ભરત નાકરાણીને ૭૮૯૫ મતો મળ્‍યા હતા.અને ભાજપના મહેશ કસવાળાની ૩૪૯૨ મતે જીત થયેલ હતી.

જાફરાબાદ-રાજુલા વિધાનસભા બેઠક પર પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્‍યક્ષ અમરીશ ડેરની હાર થઇ હતી.ભાજપના હીરા સોલંકીએ પાંચ વર્ષના આરામ બાદ ફરી એક વાર બેઠક પર જીત હાંસિલ કરી હતી.૨૩ રાઉન્‍ડ પૂર્ણ થયા બાદ અને સૌથી મોડું પરિણામ આવ્‍યું હતું અને આ બેઠક પર હીરા સોલંકીને ૭૭૯૮૧ મતો મળ્‍યા હતા જયારે કોંગ્રેસના અમરીશ ડેરને ૬૭૯૧૮ મતો મળ્‍યા હતા.આ બેઠક પર બંને બળ્‍યા નેતાઓએ જોર લગાવ્‍યું હતું.તો અહીં અપક્ષના ઉમેદવાર અને કોળી સમાજના આગેવાન કરણભાઇ બારૈયાને ૧૯૧૪૪ મતો અને આપના ભરત બલદાણિયાને ૫૨૦૨ મતો મળ્‍યા હતા .ભાજપ ના હીરા સોલંકીની ૧૦૦૬૩ મતે જીત થયેલ હતી.

આ બેઠક પર હાર બાદ હીરા સોલંકીએ લોકોનો આભાર માન્‍યો હતો અને કોંગ્રેસના ઉમેદવાર અમરીશ ડેરએ હાર સ્‍વીકારી હતી અને સામેના ઉમેદવારને અભિનંદન આપ્‍યા હતા અને કહ્યું હતું કે ચાલ્‍યા કરે રાજકારણમાં, આ ઉપરાંત કોઈની ખામી ન કાઢવી જોઈએ તેવી વાત કરી હતી.

તેવામાં આ વખતની ચૂંટણીમાં અમરેલી,ધારી અને લાઠી બેઠકો પર આપના ઉમેદવારની મહત્‍વની ભૂમિકા હાર જીત નક્કી કરવામાં રહી હતી તો રાજુલા-જાફરાબાદ બેઠક પર અપક્ષના ઉમેદવાર અને આપએ પણ મોટા પ્રમાણમાં મતો મેળવી અમરેલી જીલ્લામાં પગ પેસારો કરવાનો પ્રયાસ કર્યો હતો.

(2:07 pm IST)