Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

જૂનાગઢ જિલ્લા પ્રસાશન કોરોનાની ત્રીજી લહેરના સામના માટે સજ્જ

જૂનાગઢ તા.૧૦: જિલ્લા પ્રશાસન કોરોનાની ત્રીજી લહેરના સામના માટે સજ્જ થયું છે. પુરતી આરોગ્ય વિષયક સુવિધા સાથે કોરોનાના દર્દીઓને સારવારમાં કોઈ મુશ્કેલી ન પડે તેની તકેદારી લેવાશે. તેમ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણી એ જણાવ્યું હતું.

જૂનાગઢ શહેર જિલ્લામાં કોરોનાની સર્વગ્રાહી સમીક્ષા માટે અધિકારીઓ પદાધિકારીઓ સાથે કલેકટર કચેરી જૂનાગઢ ખાતે  બેઠક યોજી પ્રભારીમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, આરોગ્ય વિભાગ સહિત પ્રશાસનના તમામ અધિકારીઓએ કોરોનામાં માનવીય અભિગમ સાથે કાર્યરત રહેવાનું છે.

 કોરોનામાં ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે એની તૈયારીઓની સમીક્ષા કરી મંત્રીશ્રીએ કહ્યું કે, ગ્રામ્ય વિસ્તારના તબીબોને હેડકવાર્ટરમાં રહેવાનું છે. જેથી ગામડેજ તેમને યોગ્ય સારવાર મળે અને દર્દીઓ ઘર આંગણે સ્વસ્થ રહે.

ફેમિલી ડોકટર તેમજ ખાનગી ડોકટરો પાસે સારવાર મેળવતા લોકો પણ કોરોનાનુ ટેસ્ટિંગ કરાવે તે અંગે પણ તકેદારી લેવા સાથે મંત્રીશ્રીએ સંકલન અને ટીમવર્ક પર ભાર મુકી  અગાઉના કોરોના વેવમાં સ્થાનિક સેવાભાવી સંસ્થાઓએ સારી કામગીરી કરી છે તેમનો પણ સહયોગ લેવા જણાવ્યુ હતુ.

શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધન્વતરી રથની સંખ્યા વધારવા સાથે દવાનો પૂરતો સ્ટોક, ઓકિસજન વ્યવસ્થા,  પૂરતા બેડ તેમજ ખાનગી હોસ્પિટલની માળખાગત સુવિધા સહિતની બાબતો અંગે મંત્રીશ્રીએ માર્ગદર્શન આપી અગાઉ કોરોના નિયંત્રણમાં સારી કામગીરી  કરનાર સ્વૈચ્છિક સંસ્થાઓનો સહગોગ લેવા પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

બેઠકના પ્રારંભે જિલ્લા કલેકટરશ્રી રચિત રાજે જિલ્લા પ્રશાસન દ્રારા કોવિડ નિયંત્રણ માટે લેવાનારા પગલાંની રૂપરેખા આપી શહેર જિલ્લામાં આરોગ્ય સુવિધાની વિગતો આપી હતી.

સર્વગ્રાહી સમીક્ષા બેઠકમાં મેયરશ્રી ધીરુભાઈ ગોહેલ, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયા, ધારાસભ્યશ્રી જવાહરભાઈ ચાવડા, જિલ્લા સહકારી બેન્કના ચેરમેનશ્રી કિરીટભાઇ પટેલ, અગ્રણી પુનીતભાઈ શર્મા, શૈલેષભાઈ દવે, દિનેશભાઈ ખટારીયા, હિરેનભાઇ સોલંકી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશભાઇ ધુલેશિયા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન કંચનબેન ડઢાણિયા, મ્યુનિસિપલ કમિશનર આર.એમ.તન્ના, જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચેતન મહેતા, સિવિલ સર્જન મેડિકલ સુપ્રિન્ટેન્ડ, મેડિકલ કોલેજના  ડીન સહિત આરોગ્ય વિભાગ તથા જિલ્લા તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:46 pm IST)