Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

રાજકોટ-વાંકાનેર રેલ્વે સ્ટેશન પર મુસાફરોની સુવિધાના વિવિધ કામોનું લોકાપર્ણ, એસ્કેલેટરની સુવિધા સાથે રાજકોટ બન્યું સૌરાષ્ટ્રનું પ્રથમ રેલવે સ્ટેશન.

મોરબી :  સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયાના હસ્તે આજે રાજકોટ રેલ્વે સ્ટેશન ખાતે રાજકોટ અને વાંકાનેર સ્ટેશનની વિવિધ પેસેન્જર સુવિધાઓના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અનિલકુમાર જૈને સાંસદ મોહનભાઈ કુંડારીયાનું સ્વાગત કર્યું હતું. મોહનભાઈ કુંડારિયા દ્વારા રેલ્વે સુવિધાઓ વધારવા માટે કરવામાં આવતા સતત પ્રયાસોની પ્રશંસા કરી હતી. મોહનભાઈ કુંડારિયા હસ્તે આશરે રૂ .23.66 કરોડના ખર્ચે પેસેન્જર સુવિધાઓના કામોનું લોકાર્પણ કર્યું હતું, જેમાંથી રાજકોટ સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓનો ખર્ચ આશરે રૂ.21.29 કરોડ છે અને વાંકાનેરમાં મુસાફરોની સુવિધાનો ખર્ચ રૂ. રૂ.2.37 કરોડ છે.
રાજકોટ સ્ટેશન એસ્કેલેટરની સુવિધા ધરાવતું સૌરાષ્ટ્રનું પ્રથમ સ્ટેશન બન્યું છે. રાજકોટ સ્ટેશન પર ત્રણ એસ્કેલેટર લગાવવામાં આવ્યા છે, જેમાં પ્લેટફોર્મ નંબર 1 પર બે એસ્કેલેટર અને પ્લેટફોર્મ નંબર 2/3 પર એક એસ્કેલેટર લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, પ્લેટફોર્મ નં. 2/3 પર વધુ એક લિફ્ટની સુવિધા આપવામાં આવી છે, જેની ક્ષમતા એક સમયે 20 વ્યક્તિઓની છે. સ્ટેશન બિલ્ડિંગનો પુનઃવિકાસ કરવામાં આવ્યો છે અને અગ્રભાગમાં સુંદર લાઇટિંગ આપવામાં આવી છે. પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર નવી કોચ ઈન્ડિકેટરસિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે જેથી મુસાફરો તેમના કોચ વિશે સરળતાથી માહિતી મેળવી શકે. પ્લેટફોર્મ નંબર 1/2 અને 3 પર નવી ક્વિક વોટરિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે જેથી ઓછા સમયમાં ટ્રેનનાકોચમાં પાણી ભરી શકાય.વાંકાનેર સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 2 અને સરકુલેટિંગ એરિયા માં બે નવનિર્મિત પેસેન્જર લિફ્ટ આપવામાં આવી છે અને પ્લેટફોર્મ નંબર 2 પર કવર શેડનો વિસ્તાર કરવામાં આવ્યો છે.
સાંસદ દ્વારા વાંકાનેર સ્ટેશનના મુસાફરોની સુવિધાના કામોનું ઈ-લોકાર્પણ રાજકોટ થી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માનનીય સાંસદ મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે એસ્કેલેટર અને લિફ્ટની સુવિધા તમામ રેલવે મુસાફરો ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને દિવ્યાંગો માટે ખૂબ જ ઉપયોગી થશે. તેમણે કહ્યું કે, સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે અને આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 1200 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે. તેમણે રાજકોટ સ્ટેશન પર ઉપલબ્ધ મુસાફરોની સુવિધાઓ અને સ્વચ્છતાની ખૂબ પ્રશંસા કરી હતી. કાર્યક્રમના અંતે સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અભિનવ જેફે આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ જનસંપર્ક નિરીક્ષક  વિવેક તિવારીએ કર્યું હતું.

(1:49 pm IST)