Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ભાવનગરના સાંકડાસરની કેનાલમાં ડૂબી જતાં અલ્‍પેશ બારૈયા નામના યુવકનું મોત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૦ : ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સાંકડાસર ગામ પાસે આવેલ કેનાલમાં યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ફાયર બ્રિગેડ અને તરવૈયાઓની ટીમેં ભારે જહેમત બાદ યુવાનનો મૃતદેહ શોધી કાઢ્‍યો હતો.

આ ઘટના અંગે જાણવા મળતી વિગત મુજબ તળાજામાં રહેતા અલ્‍પેશભાઈ મનુભાઈ બારૈયા તળાજાથી મહુવા હાઇવે ઉપર સાંકડાસર ગામના પાટીયા પાસે કેનાલમાં પડી ગયો હતો. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ, પોલીસ તેમજ તરવૈયાઓની ટીમ દ્વારા કેનાલમાં પડી ગયેલા યુવાનની શોધ ખોળ હાથ ધરી હતી. તરવૈયાઓની ટીમ દ્વારા ભારે જહેમત બાદ યુવાનના મૃતદેહને ઉંડા પાણીમાંથી શોધી બહાર કાઢયો હતો અને પી.એમ. માટે હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યો હતો.

આ ઘટનાની જાણ થતા આસપાસના ગ્રામજનો અને આગેવાનો ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા અને ગામના યુવાનો દ્વારા પણ મૃતદેહની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

(4:52 pm IST)