Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ગાંધીધામમાં આખલાએ બુલેટને હડફેટે લેતા યુવાન ચાલકનું મોત

ભુજ,તા.૧૦:  રાજયની સાથે કચ્છ જિલ્લામાં પણ રખડતાં ઢોરની સમસ્યાએ જનજીવનને પરેશાન કરી મૂકયું છે. રસ્તે રખડતાં ઢોર નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે. ગાંધીધામમાં આવા જ એક બનાવે એક યુવાનની જિંદગી ઉપર પૂર્ણવિરામ મૂકયું હતું. અંતરજાળની રાધે રેસિડેન્સીમાં રહેતાં જિજ્ઞેશ જીતેન્દ્રભાઈ દોશી બુલેટ લઈ ગાંધીધામમાં નોકરીએ જવા નીકળ્યાં હતા. સવારે ૧૦.૩૦થી ૧૧ના અરસામાં ટાગોર રોડ પર પંચમુખા હનુમાન મંદિર સામે અચાનક સામેથી દોડતો આવતો માતેલો સાંઢ તેમની બુલેટ સાથે ટકરાયો હતો.

દુર્ઘટનામાં જિજ્ઞેશભાઈને ગંભીર ઈજા પહોંચી હતી. એક બોલેરો જીપમાં તેમને રામબાગ હોસ્પિટલે ખસેડાયાં હતા પરંતુ ગણતરીની મિનિટોમાં તેમનું મૃત્યુ નીપજયું હતું. આદિપુર પોલીસે ઘટના અંગે અકસ્માત મોતની ઘટના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:01 am IST)