Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ગુજરાતમાં સૌ પ્રથમ ગોંડલમાં કેશર કેરીનું આગમન

યાર્ડમાં આગમન : એક બોક્‍સનો ૧૭૦૦થી ૨૧૦૦ સુધી બોલાયો ભાવ

 (જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૦ : ગોંડલમાં માર્કેટ યાર્ડના ફ્રૂટ માર્કેટ યાર્ડમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન થયું છે. યાર્ડમાં કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે કેરીના ૧૯૦ બોક્‍સની આવક થઇ છે. આ સાથે જ કેરીની હરાજીમાં ૧૦ કિલો કેસર કેરીના બોક્‍સના રૂપિયા ૧૭૦૦થી લઈને ૨૧૦૦ સુધીના ભાવ બોલાયા છે.

આ સાથે કેરીના સ્‍વાદ પ્રેમીઓ જેમની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા તેવી મીઠી મધુર કેસર કેરીનું આગમન થવા પામ્‍યું છે. ગુજરાતભરમાં પ્રથમ દિવસે કેસર કેરીનું સૌથી પહેલા ગોંડલ માર્કેટ યાર્ડમાં આગમન થયું છે આ વર્ષે માર્કેટ યાર્ડમાં ફળોની રાણી ગણાતી મીઠી મધુર કેસર કેરીનું આગમન ૧૮થી ૨૦ દિવસ વહેલું જોવા મળ્‍યું છે. બજારમાં કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે કેસર કેરીના સ્‍વાદ પ્રેમીઓનો કેરીના આગમનને લઈને આતુરતાનો અંત આવ્‍યો છે.

ફ્રૂટ માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે ઉનાના જસાધાર અને બાબરીયાની કેસર કેરીના ૧૯૦ બોક્‍સની આવક થવા પામી હતી. આ સાથે જ પ્રથમ દિવસે કેસર કેરીની હરાજીમાં ૧૦ કિલો કેરીના બોક્‍સના ભાવ રૂપિયા ૧૭૦૦થી ૨૧૦૦ સુધીના બોલાયા હતા. પ્રથમ દિવસે જ કેસર કેરીના ખેડૂતોને શુકનના ભાવ રૂપિયા ૨૧૦૦ બોલાતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી.

આ વર્ષે બજારમાં કેસર કેરીનું આગમન ભલે વહેલુ થવા પામ્‍યુ, પરંતુ તાજેતરમાં જ ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ પંથકમાં પડેલા કમોસમી વરસાદને કારણે કેસર કેરીના પાકને વ્‍યાપક નુકસાન થવા પામ્‍યું છે, ત્‍યારે બજારમાં આગામી દિવસોમાં કેસર કેરીની કેવી આવક થશે એ જોવાનું રહેશે. યાર્ડમાં કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે કેરીના ૧૯૦ બોક્‍સની આવક થઇ છે.

(11:34 am IST)