Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

રાજકોટ હોસ્‍પિટલમાં પ્રસુતા પત્‍નિને મળવા જતા ગોંડલના યુવાનને રસ્‍તામાં કાળ આંબી ગયો

બીલીયાળા પાસે ગત શનિવારે સર્જાયેલ અકસ્‍માતમાં મૃતક યુવાનની લાશ ઓળખાઇ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૯ : ગત શનિવાર મોડી રાત્રીના નેશનલ હાઇવે બીલીયાળા પાસે ટેમ્‍પો અને ટ્રક વચ્‍ચે સર્જાયેલ ગમખ્‍વાર અકસ્‍માતની ઘટનામા ચાલક સહિત બે યુવાનોના મોત નિપજયા હતા. જેમા ચાલકની ઓળખ થવા પામી હતી. જયારે સાથે બેઠેલા અન્‍ય યુવાનની ઓળખ નહી મળતા તેના મૃતદેહને અહીની સિવિલ હોસ્‍પિટલના ફ્રીઝર રૂમમા રખાયો હતો.

દરમિયાન અકસ્‍માતના અખબારી અહેવાલોના આધારે મૃતકનો પરીવાર હોસ્‍પિટલ દોડી જઇ મૃતદેહ ને ઓળખી બતાવ્‍યો હતો.મૃતક ગોંડલ નો રહેવાસી હતો અને પ્રસુતિ સબબ રાજકોટ હોસ્‍પિટલમા દાખલ તેની પત્‍નિને મળવા જઈ રહ્યો હતો.પરંતુ પત્‍નિને મળવાનાં અભરખા અધુરા રહ્યા હોય તેમ રસ્‍તા માંજ કાળ ભેટી જતા યુવાન અનંતની વાટે ચાલી નિકળ્‍યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ શનીવાર રાત્રી દોઢ કલાકે ધોરાજી થી ટમેટા ભરી રાજકોટ જઈ રહેલો ટેમ્‍પો બીલીયાળા પાસે બંધ ટ્રકના ઠાઠામા ધડાકાભેર અથડાતા ચાલક ધોરાજીના મોહસીન હાજી રફિકભાઈ મોતિવાલા સહીત સાથે મુસાફરી કરી રહેલા અન્‍ય યુવાનના કમકમાટી ભર્યા મોત નિપજયા હતા.

દરમિયાન સાથે રહેલા મૃતકની ઓળખ થઈ ના હોય માનવ સેવા ટ્રસ્‍ટના પ્રફુલભાઈ રાજયગુરુ એ તેના મૃતદેહને અત્રેની સિવિલ હોસ્‍પિટલના ફ્રીઝર રુમમા રાખ્‍યો હોય અખબારી અહેવાલોના પગલે ગોંડલ ઉમવાડા ચોકડી પાસે રહેતો મૃતક યુવાનનો પરીવાર હોસ્‍પિટલ દોડી જઇ પ્રફુલભાઈ રાજયગુરૂને મળી ઓળખ કરતા મૃતક દેવીપુજક રાહુલ મનોજભાઈ રાઠોડ હોવાનુ અને તેની પત્‍નિને પ્રસુતિની પીડા ઉપડી હોય રાજકોટ સિવિલ હોસ્‍પિટલમા દાખલ હોય મળવા જઈ રહ્યાનુ બહાર આવ્‍યુ હતુ.

ᅠબે ભાઇ તથા એક બેનનો પરીવાર ધરાવતો રાહુલ શાકભાજીની ફેરી કરી પેટીયુ રળતો હોવાનુ જાણવા મળેલ હતુ. રાહુલે એક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રસુતા પત્‍નિ બાળકને જન્‍મ આપે તે પહેલા જ પતિએ અનંતની વાટ પકડતા પરીવાર શોકમગ્ન બન્‍યો હતો.

(12:58 pm IST)