Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

નવાબી શાપુર - સરાડીયા ૪૦ વર્ષથી બંધ ટ્રેનને પુનઃ ચાલુ કરવા અંગે ૬૭૦ કરોડની માતબર રકમની દરખાસ્‍ત રેલવે બોર્ડને સુપ્રત

લોકઆંદોલનના મંડાણની બીજી જીત : દિલ્‍હી રેલવે બોર્ડએ મુંબઇ પヘમિ મેનેજર પાસે માંગ્‍યો અહેવાલ : ૧૫મીએ પ્રતિનિધિ મંડળ દિલ્‍હી જશે

જૂનાગઢ તા. ૧૦ : ગત તા. ૨૨-૬-૧૯૮૩ના પુર હોનારતમાં શાપુર-સરાડીયા નવાબી ટ્રેનનો અમુક ટ્રેકમાં ધોવાણ થયા બાદ રેલ્‍વેસતાધિશોએ છેલ્લા ૪૦ વર્ષથી આ ટ્રેનને બંધ કરી ૧૯૯૨માં રેલ્‍વેપાટા, સલાઇપાટ સહિતનું નીલામ કરી દીધા બાદ ભારતના રેલ્‍વેનકશામાંથી આ નવાબી ટ્રેન રદ કરવામાં આવેલ હતી જેને લઇને અનેકવખત રજુઆતો આ લડતના પ્રણેતા રાકેશ લખલાણીએ કર્યા બાદ પણ રેલ્‍વે વિભાગ દ્વારા આ રજુઆતને ધ્‍યાને ન ધરતા છેલ્લા પ માસથી બિનરાજકિય લોકઆંદોલનના મંડાણ શરૂ કરતા રાણાવાવ, કુતીયાણા, બાટવા, માણાવદર, વંથલી, શાપુર, મેધપુર, સહીતના શહેરો ગામડાઓ વેપારીમંડળો, ચેમ્‍બરઓફકોમર્સ તથા આમજનતાના સહયોગથી આંદોલનના મંડાણ કર્યા છે. જેમાં રાણાવાવથી શાપુર સુધીના તમામ નગરપાલિકાઓ- ગ્રામપંચાયતોના ઠરાવો, સાથે મોટું લોકસમર્થન પ્રાપ્ત થયેલ હતું. તેમજ બાટવા, માણાવદર, વંથલી, શાપુર, કુતીયાણા, રાણાવાવ, સહીતની નગરપાલિકાઓ, ગ્રામપંચાયતોનું બીનરાજકિય સમર્થન મળતા આંદોલનને વેગ મળવા પામ્‍યો હતો.

આ લોકઆંદોલનના જુવાળને ધ્‍યાને લઈ પોરબંદરના સાંસદશ્રી રમેશભાઈ ધડુક, ગત તા.ર૬/૨/૨૦૨૩ ના બાટવા ખાતે વિશાળ મળેલા સંમેલનમાં હાજરી આપી જણાવ્‍યું હતું કે, આ લડત વ્‍યાજબી અને આ વિસ્‍તારના વિકાસ માટે અત્‍યંત જરૂરી હોઇ જેના સમર્થનમાં રમેશભાઈ ધડુકે ગત તા.ર૪/ર/ર૦ર૩ ના કેન્‍દ્રીય રેલ્‍વેમંત્રીશ્રીને લેખીતપત્ર મોકલી તાત્‍કાલીક શાપુર-સરાડીયા ટ્રેનને પુનઃશરૂ કરી આ ટ્રેનને કુતિયાણાથી રાણાવાવ બ્રોડગેજ સાથે જોડવા રજુઆત કરેલ હતી. તેમજ રાજય સભાના સાંસદશ્રી રામભાઇ મોકરીયાએ પણ રેલ્‍વેમંત્રાલયને લેખીતપત્ર દ્વારા આ ટ્રેનને કુતિયાણા-રાણાવાવ સુધી લંબાવવા લેખીત માંગણી કરેલ છે.

ઉપરાંત કુતિયાણાના ધારાસભ્‍યશ્રી કાંધલભાઇ જાડેજાએ પણ આ બાબતે રાષ્ટ્રના વડાપ્રધાનશ્રીને લેખીતપત્ર ધ્‍વારા રાકેશ લખલાણીની આ લડતને સંપુર્ણ ટેકો જાહેર કરેલ છે.

આ અંગે લોકલડતના પ્રણેતા રાકેશ લખલાણીએ જણાવ્‍યું છે કે, આ બીનરાજકિય લડતમાં સ્‍વયંભુ લોકો જોડાયા છે જેમાં પ્રિન્‍ટમિડીયા પત્રકારો, ઇલેકટ્રીક મીડીયા, સોશ્‍યલ મિડીયા સહિતના વિવિધ માધ્‍યમોથી આ લડતને વેગ આપતા તમામના સહકાર બદલ આભાર વ્‍યકત કરવામાં આવેલ છે. આ લોકોની જીત ગણાવી છે.

રેલ્‍વેના એક અધિકારીશ્રીએ નામ ન આપવાની શરતે જણાવ્‍યું હતું કે, દિલ્‍હી રેલ્‍વે બોર્ડ દ્વારા મુંબઇ ચર્ચગેઇટ (પમિ) મેનેજર ને તાત્‍કાલીક દરખાસ્‍ત રકમ સાથેની માંગણી કરવામાં આવતા મુંબઇ ચર્ચગેટ મેનેજર દ્વારા અંદાજીત રૂા.૬૭૦ કરોડની રકમની દરખાસ્‍ત દિલ્‍હી રેલ્‍વે બોર્ડને સાતેક દિવસ પહેલા મોકલી દેવામાં આવેલ છે. જે આગામી દિવસોમાં રેલ્‍વેબોર્ડની કમિટી મળશે ત્‍યારે આ અંગે નિર્ણય લેવામાં આવશે તેવું જાણવા મળી રહયું છે.

આંદોલનના પ્રણેતા શ્રી લખલાણીના જણાવ્‍યા મુજબ આગામી ૧૫ મી માર્ચ એક પ્રતિનિધીમંડળ દિલ્‍હી રેલ્‍વેમંત્રીશ્રી તેમજ રેલ્‍વેબોર્ડને રૂબરૂ આવેદનપત્ર આપી શાપુર-સરાડીયા ટ્રેનને શરૂ કરી આ ટ્રેનને ભાદર નદી પર પુલ બનાવી વાયા કૃતિયાણાથી વાસજાળીયા બ્રોડગેજ સાથે જોડવાની માંગણી લેખીત રજુઆત કરવામાં આવશે જેમાં કુતિયાણાના ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ સુરેશભાઇ કડછા, બાટવા નગરપતિ રાજકુમાર વાઘવાણી, પુર્વનગરપતિ ગણપત મોરી, ચંદનાની ગોરધનભાઈ ચેમ્‍બર ઉપપ્રમુખ, ગોસેવક અસ્‍લમભાઈ જોરાવરભાઇ ખોખર, શાપુર ચેમ્‍બરના મહેન્‍દ્રભાઇ કારીયા, વંથલીના વેપારી અગ્રણી દિવ્‍યેશ જેઠવા, માણાવદર વેપારી અગ્રણી સુરેશભાઇ માંકડીયા, મહેન્‍દ્ર કાલરીયા, સહિતનું પ્રતિનીધી મંડળ દિલ્‍હી જવા રવાના થશે.

અંતમાં રાકેશ લખલાણીએ જણાવેલ છેકે, આ શાપુર-સરાડીયા ટ્રેનને વાયા કુતીયાણાથી વાંસજાળીયા સાથે જોડવા માટેનું લોકઆંદોલન જયા સુધી માંગણીનો સ્‍વીકાર નહીં થાય ત્‍યા સુધી બિનરાજકિય રીતે અહિંસક આંદોલન ચાલુ રહેશે

(12:38 pm IST)