Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

માધવપુરના રાષ્‍ટ્રીય કક્ષાના લોકમેળાના સુચારૂ સંચાલન માટે કલેકટરના માર્ગદર્શન હેઠળ વિવિધ ર૮ સમિતિઓની રચના

૩૦ મી માર્ચના રોજ શરૂ થનારા ભાતીગળ લોકમેળાના આયોજન માટે જિલ્લા વહીવટી તંત્રની બેઠક મળી : સફાઇ, વીજ પુરવઠો આરોગ્‍ય સહિત વ્‍યવસ્‍થાપન અંગે ચર્ચા કરાઇ

(પરેખ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૦ :  માધવપુરમાં રાષ્‍ટ્રીય કક્ષાનો લોકમેળો ૩૦ મી માર્ચથી તા. ૩ જી એપ્રિલ સુધી યોજાનાર છે. માધવપુરના આ ભાતગળ લોકમેળાના સુચારૂ સંચાલન માટે અને આયોજન માટે કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી જેમાં સફાઇ વીજ પુરવઠો આરોગ્‍ય વ્‍યવસ્‍થાપન માટે વિવિધ પ્રકારની ર૮ સમિતિઓની રચના કરવામાં આવી છે.

માધવપુરમાં આગામી તા. ૩૦ માર્ચથી તા. ૩ એપ્રિલ સુધી યોજાનાર ભાતીગળ લોકમેળાના આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટર અશોક શર્માના અધ્‍યક્ષ સ્‍થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં લોકમેળા કાર્યક્રમના સૂચારૂ સંચાલન માટે તથા વહીવટી સરળતા ખાતર અધિકારીઓના અધ્‍યક્ષ સ્‍થાને જુદી જુદી ર૮ સમિતિઓની રચના કરવામાં આવી  છે.

રાજય સરકાર દ્વારા માધવપુર ખાતે  દર વર્ષે લોકેમેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં દેશના અલગ અલગ રાજયોમાંથી મહાનુભાવો, કલાકારો તથા કારીગરો આવીને જુદા જુદા પ્રદેશોની સંસ્‍કૃતિને ઉજાગર કરવાની સાથે કારીગરો આર્થિક ઉપાર્જન પણ કરતા હોય છે. ત્‍યારે આગામી સમયમાં યોજાનાર માધવપુરના લોકમેળામાં કાર્યક્રમનું સુચારૂ સંચાલન થઇ શકે તે માટે જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં ઓવરઓલ સુપરવિઝન સમિતિ સુરક્ષા સમિતિ વીજ પુરવઠા વ્‍યવસ્‍થાપન સમિતિ સફાઇ વ્‍યવસ્‍થાપન સમિતિ સહિતની સમિતિઓની રચના કરી અધિકારીઓ કર્મચારીઓની ટીમ બનાવવામાં આવી છે. બેઠકમાં જિલ્લા કલેકટર અશોક શર્માએ જરૂરી માર્ગદર્શન આપવાની સાથે અધિકારીઓના મંતવ્‍યો પણ જાણ્‍યા હતા.

ઉલ્લેખનીય છે કે પૂર્વ અને પヘમિની સંસ્‍કૃતિ જયા મળે છે તે માધવપુરનો મેળો આપણા સાંસ્‍કૃતિક વારસાને ગૌરવ આપવાનો ઉત્‍સવ છે ત્‍યારે આ મેળાને વિશ્વ કલક પર ઓળખ આપવા ર૦૧૭ થી પ્રવાસન વિભાગ આ મેળાનું આયોજન કરે છે અને દર વર્ષે સેવન સિસ્‍ટર્સ તરીકે ઓળખાતા પૂર્વોતર ના સાત રાજયોના મુખ્‍યમંત્રીઓ સહિત વિવિધ મહાનુભાવો પણ મેળામાં ઉપસ્‍થિત રહે છે. તો ભૂતપૂર્વ રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદ કેન્‍દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સહિત  અને મહાનુભાવો પણ આ લોકમેળાની મુલાકાત લઇ ચુકયા છે.

ગુજરાતમાં અનેક નાના-મોટા લોકમેળાઓ યોજાય છે. તેમાં સૌરાષ્‍ટ્રના યોજાતા ત્રણ મેળાઓ પ્રચલિત અને આગવું સ્‍થાન ધરાવે છે. સુરેન્‍દ્રનગર જિલ્લાના તરણેતરમાં યોજાતો મેળો યૌવન હિલોળે ચડાવે છે, જુનાગઢમાં ભવનાથ તળેટીમાં યોજાતો સાધુ સમાજ અને સંતોની ભવનાથનો મેળો ત્રિવેણીસંગમ સમો હોય છે. જયારે ત્રીજા નંબરનું સ્‍થાન ધરાવતો માધવપુર (ઘેડ)નો ઐતિહાસિક લોકમેળો શ્રી કૃષ્‍ણ અને રૂક્ષ્મણીજીની લગ્ન પ્રસંગની ઝાંખી કરાવે છે. ચૈત્ર મહિનાની રામનવમીથી તેરસ સુધી પાંચ દિવસો યોજાતો આ ભાતીગળ લોકમેળો અનોખી ભાત પાડે છે. આ મેળામાં ઉતર-પૂર્વીય સાત રાજયોના લોકો ભાગ લે છે. આ મેળો અરૂણાંચલ પ્રેશની મીશમી જનજાતીના લોકોને ગુજરાત સાથે જોડ છે

(1:06 pm IST)