Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ગિરનાર પર ગંદકીનાં મામલે હાઇકોર્ટની ટકોરનાં પગલે વરિષ્‍ઠ અધિકારીઓની સ્‍થળ વિઝીટ

પ્રાંત અધિકારી ભૂમિ કેશવાલા, ડીસીએફ જોશી, ડીએમસી જયેશ વાજા ગિરનાર પર પહોંચ્‍યાઃ ત્રણેય અધિકારીઓએ સીડી ઉતરીને કર્યુ જાત નિરીક્ષણ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૦ :.. ગિરનાર પર ગંદકીનાં મામલે હાઇકોર્ટની ટકોરનાં પગલે આજે સવારે વરિષ્‍ઠ અધિકારીઓ પર્વત પર પહોંચ્‍યા છતાં અને સ્‍થળ વિઝીટ કરી હતી.

ગિરનાર પર્વત પર પ્‍લાસ્‍ટીકનાં ઉકરડા, ગંદકી તેમજ કેટલીક જગ્‍યા પર પેશકદમી સહિતનાં મામલે ગુજરાત હાઇકોર્ટમાં રીટ પિટીશન થયેલ. જેને લઇ હાઇકોર્ટે તંત્રને ગંભીર ટકોર કરી હતી.

દરમ્‍યાન આજે સવારે પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા, ડીસીએફ અક્ષય જોશી તેમજ જુનાગઢ મનપાનાં ડે. કમિશનર જયેશ વાજા વગેરે આજે સવારે રોપ-વે મારફત ગિરનારની ટોચ પર પહોંચ્‍યા હતાં.

બાદમાં આ અધિકારીઓએ ગિરનાર અંબાજી મંદિર તેમજ ગુરૂ દતાત્રેયની ટૂંક આસપાસની જગ્‍યાની પગપાળા વિઝીટ કરી હતી અને સ્‍થિતીનું નિરીક્ષણ કર્યુ હતું.

આ પછી ત્રણેય અધિકારીઓ સહિતનો કાફલો અંબાજીથી ગીરનાર સીડી ઉતરીને ભવનાથી તળેટી સુધી ગિરનાર પર્વત પર કથિત પ્‍લાસ્‍ટીક કચરો, ગંદકી અને પેશકદમી મામલે જાત નિરીક્ષણ કર્યુ હતું.

ગીરનાર પર્વતની મુલાકાત તેમજ જાત નિરીક્ષણ દરમ્‍યાન કેટલીક જગ્‍યાએ ગંદકી- કચરો વગેરે જોવા મળેલ હોવાનું જાણવા મળેલ છે.

આ અંગે પ્રાંત અધિકારી ભૂમિ કેશવાલાનો ટેલીફોનીક સંપર્ક કરવાનો પ્રયાસ કરાયેલ પરંતુ નેટવર્કને લઇ તેઓ સાથે વાતચીત થઇ શકી ન હતી.

જો કે ગિરનાર વિઝીટ સંદર્ભે એક અહેવાલ તૈયાર કરીને હાઇકોર્ટને મોકલવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.

(1:19 pm IST)