Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

વિશ્વ મહિલા દિને જ મહિલા માટે દેવદૂત સાબિત થતી ૧૦૮ સેવા

જોડિયાના કેશીયા ગામના પ્રસુતાની રોડ પર જ આકસ્‍મિક ડિલિવરી કરાવી માતા તથા બાળકનો જીવ બચાવાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૧૦ : ગુજરાત સરકારના માતા અને બાળ મરણ દર ઘટાડવાના ધ્‍યેયને ધ્‍યાનમાં રાખી જામનગર ૧૦૮ ની ટીમ ખૂબ જ સુંદર કામગીરી કરી રહી છે.ગુજરાત સરકાર અને G V K  E M R I સંચાલિત ૧૦૮ ઈમરજન્‍સી સેવા સમગ્ર રાજ્‍યમાં અનેક વખત લોકોના જીવ બચાવી દેવદૂત સાબિત થઈ છે ત્‍યારે આ ઈમરજન્‍સી સેવાએ આજે ફરી એક વખત જોડિયા તાલુકાના કેશીયા ગામના મહિલા તથા બાળકનો જીવ બચાવી તેઓના પરિવાર માટે આશીર્વાદરૂપ બની છે.

 મળતી માહિતી પ્રમાણે જોડીયા તાલુકાના કેશીયા ગામે રહેતા પ્રસુતા નિમાબેનને સાત માસના અપૂરતા મહીને જ પ્રસુતિનો દુખાવો ઉપડ્‍યો હતો જેથી તેઓના પરિવારજનોએ ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સનો સંપર્ક કર્યો હતો.તાત્‍કાલિક નજીકની ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ દર્દી સુધી પહોંચી હતી અને દર્દીને સરકારી હોસ્‍પિટલ રીફર કરવા રવાના થઈ હતી.જયાં રસ્‍તામાં અચાનક જ મહિલાને પ્રસુતિ પીડાનો અસહ્ય દુખાવો શરૂ થતા E M  T   પરેશભાઇ માળી દ્વારા મહિલાની તપાસ કરાતા રોડ પર જ આકસ્‍મિક ડીલીવરી કરાવવાની ફરજ પડી હતી. સમગ્ર પરિસ્‍થિતની ગંભીરતા ધ્‍યાને લઈ એમ્‍બ્‍યુલન્‍સના E M Tએ ઉપરી અધિકારીઓનો ટેલીફોનિક સંપર્ક કરી માર્ગદર્શન મેળવ્‍યું હતું અને રોડ પર જ એમ્‍બ્‍યુલન્‍સ થોભાવી નિમાબેનની સફળ પ્રસુતિ કરાવી હતી. ત્‍યારબાદ નીમાબેને બાળકને જન્‍મ આપ્‍યો હતો.વધુ સારવાર અર્થે માતા તથા નવજાત બાળકને એમ્‍બ્‍યુલન્‍સના પાયલોટ ચંદ્રદીપસિંહ તથા E M T દ્વારા જી.જી. હોસ્‍પિટલ જામનગર ખાતે હેમખેમ પહોંચાડી માતા તથા બાળકનો જીવ બચાવવાની સાથે સાથે વિશ્વ મહિલા દિનને ઉજાગર કરતી ઉમદા કામગીરી કરી હતી.

(1:22 pm IST)