Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

પાંચ-પાંચ વર્ષથી યાતના ભોગવતી દીકરીએ પેટ્રોલિંગમાં આવેલી પોલીસવાન સમક્ષ આપવીતી વર્ણવતા નરાધમ પિતા વિરૂદ્ધ ગુન્‍હો નોંધાયો

મારકૂટ કરતો, અડપલા કરતો, જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો

ટંકારા : ટંકારા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં સગો બાપ નરાધમ બની છેલ્લા પાંચેક વર્ષથી દિકરીઓના દેહ સાથે અડપલા કરી મારકુટ અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાની ભદ્ર સમાજમાં ચકચાર જગાવનાર ઘટના સામે આવી છે.

ટંકારા પોલીસ વાન પેટ્રોલિગ માટે ગામમાં પ્રવેશતા જ ભોગ બનનાર દીકરીએ મારે ઘરે નથી રહેવુ તેવી રાવ કરતા ટંકારા પોલીસે આ દીકરીને સખી વન સ્‍ટોપ સેન્‍ટર ખાતે ખસેડી હતી. જ્‍યા ભોગ બનનારે દીકરીએ આપવિતી વર્ણવતા ફોજદારી ફરિયાદ પોલીસે ગુનો નોંધી પિતા પુત્રીના સંબંધને લાંછન લગાવનાર આરોપી પિતાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા પોલીસ સ્‍ટેશનના જમાદાર વિજયભાઈ બાર, મહિલા કોન્‍સ્‍ટેબલ પૂજાબેન ડાંગર અને ડ્રાઈવર રણુભા ઝાલા પેટ્રોલીંગમાં હતા એ દરમિયાન એક ગામમાં પોલીસની ગાડી પ્રવેશતા જ ગભરાટ સાથે ડરી સહમી ૧૮ વર્ષની દીકરી પોલીસ પાસે આવી પોતાને ઘરે નથી ગમતું મને અહીંથી લઈ જાવની ફરિયાદ કરતા ટંકારા પોલીસે ગંભીરતાથી આ બાબતની નોંધ લઈ મોરબી સખી વન સ્‍ટોપનો સંપર્ક કરી બે દિવસ પહેલા આ દીકરીને કાઉન્‍સિલિંગ અર્થે મોકલી આપી હતી.

દરમિયાન ટંકારા પોલીસ મથકે સખી સેન્‍ટરમાંથી ફોન આવ્‍યો હતો જેમાં આ દીકરીને પોતાનો સગો બાપ છેલ્લા પાંચેક વર્ષથી શરીર સાથે અડપલા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી મારકુટ કરતો હોવાની ચોંકાવનારી વિગતો આપતા ટંકારા પોલીસ મથકના પીએસઆઇ એચ.આર. હેરભા દ્વારા તાત્‍કાલિક ભોગ બનનારની હકીકત આધારે આરોપી પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આઈપીસી કલમ ૩૭૬(૨) (F)(J)(K)(ફ), ૩૨૩, ૫૦૬(૨)તથા પોસ્‍કો એક્‍ટ ૫(L)(ફ)(૬) મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અને આરોપી હાથવેંતમાં હોવાનુ સૂત્રો દ્વારા જાણવા મળ્‍યું છે.

ભોગ બનનાર દીકરીએ જણાવ્‍યું હતું કે છેલ્લા પાંચેક વર્ષથી એના પિતા મારકુટ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી તેણી સાથે જાતિય હુમલા કરતો હતો. ત્‍યારે પોલીસ ગામમાં આવતા જ આ દીકરીએ હિંમત કરી આપવીતી વર્ણવી હતી અને ટંકારા પોલીસે પણ ગંભીરતા દાખવી હેવાન બાપ વિરૂદ્ધ ગુન્‍હો નોંધતા આ નરાધમ પિતા વિરૂદ્ધ ચોમેરથી ફિટકાર  વરસી રહ્યો છે. (જયેશ ભટાસણા, ટંકારા)

(4:17 pm IST)