Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

મોરબી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસો.અને એક્સેલ સ્પોર્ટ્સ એકેડેમીના ખેલાડીઓએ ભારત-ઓસ્ટ્રેલિયાની LIVE મેચ નિહાળી.

મોરબી :ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી છે. ત્યારે મોરબી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસીએશન અને એક્સેલ સ્પોર્ટ્સ એકેડેમીના ખેલાડીઓએ અમદાવાદ ખાતે ભારત-ઓસ્ટ્રેલિયાની LIVE મેચ નિહાળી હતી.
નોંધનીય છે કે મોરબી ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને MLA કાંતિભાઈ અમૃતિયા અને ચીફ કોચ નિશાંત જાની અવારનવાર મોરબી જિલ્લાના ક્રિકેટરો માટે કોઈને કોઈ નવી તકોનું સર્જન કરતા રહે છે. હાલ જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ ચાલે છે ત્યારે અમદાવાદ ખાતે MLA કાંતિભાઈ અમૃતિયાએ મોરબીના ક્રિકેટરો માટે LIVE મેચ નિહાળવાની વ્યવસ્થા કરી હતી. જેમાં મોરબી ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના 500 જેટલા ક્રિકેટ પ્રેમીઓ અને 150થી વધુ જેટલા ખેલાડીઓ સહિત કુલ 650 લોકો મોરબીથી અમદાવાદ મેચ નિહાળવા માટે આવ્યા હતા.
MLA કાંતિભાઈ અમૃતિયાએ મેચ જોવાના પાસ, નાસ્તો અને ભોજન સહિતની સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી. એ સિવાય પ્રથમ અમૃતીય અને તેમના સાથી મિત્રોએ 650 લોકો માટે મોરબીથી અમદાવાદના પરિવહન માટે પોતાની કારમાં વ્યવસ્થા કરી હતી. આ અંગે વધુ માહિતી આપતા ક્રિકેટ કોચનિશાંત જાનીએ જણાવ્યું હતું કે, MLA કાંતિભાઈ અમૃતિયા મોરબીના ક્રિકેટરો માટે નિયમિતપણે અનેક તકોનું સર્જન કરે છે અને હું પણ તેમની મહેનતને સફળ બનાવવા માટે સમયાંતરે પ્રયત્ન કરતો રહું છું.
અમદાવાદની આ મુલાકાત દરમિયાન કાંતિભાઈ અમૃતિયાએ નિશાન જાની સાથે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ, બીસીસીઆઈના પ્રેસિડેન્ટ રોજર બીની, બીસીસીઆઈ ઓફિશિયલના રાજીવ શુક્લા, આ ઉપરાંત પૂર્વ ક્રિકેટરો હરભજન સિંહ, વીવીએસ લક્ષ્મણ અને બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહ સહિત અનેક ધુરંધરોને મળીને મોરબીના વિકાસ અને ક્રિકેટ માટેની નવી તકો અંગે ચર્ચા કરી હતી.
ઉલ્લેખનીય છે કે મોરબીના ક્રિકેટ પ્રેમીઓ જે સમયે આ મેચ નિહાળવા ગયા હતા એ સમયે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર ત્યાં હાજર હતા આ આવો પ્રસંગ જવલ્લે જ બનતો હોય છે. ત્યારે મોરબીના ક્રિકેટ પ્રેમીઓ અને ક્રિકેટરો આ સુંદર પ્રસંગના સાક્ષી બન્યા હતા

(11:42 pm IST)