Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

મોરબી જિલ્લાના ફાર્મસી/કેમીસ્ટની દુકાનો ખાતે CCTV કેમેરા લગાવવા અલ્ટીમેટમ જાહેર.

મોરબી જિલ્લાના તમામ જથ્થાબંધ તેમજ છુટક દવાઓની દુકાનો ખાતે ફરજીયાત પણે CCTV કેમેરા ૨૦ માર્ચ ૨૦૨૩ સુધીમાં લગાવવા અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગ (NCPCR) ભારત સરકાર અને માદક પદાર્થ નિયંત્રણ કચેરી (NCB) દ્વારા સંયુક્ત એકશન પ્લાન અનુસાર બાળકોમાં ડ્રગ્સ અને માદક દ્રવ્યોનો ઉપયોગ રોકવા અને ગેરકાયદેસર હેરફેર અટકાવવા માટે “એક યુધ્ધ નશે કે વિરૂધ્ધ અને નશા મુક્ત ભારત” નું લક્ષ્યાંક નકકી કરવામાં આવ્યું છે. જે અનુસાર શાળાઓ/શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના વિસ્તારમાં દવાઓનું વેચાણ કરતાં મેડીકલ સ્ટોર ઉપરથી શીડયુલ H, H1 અને X પ્રકારની દવાઓ બાળકો/અન્યને ડોકટર લેખિત લખાણ સિવાય વેચાણ કરવા પર પ્રતિબંધ તેમજ ફાર્મસી/કેમીસ્ટની દુકાનો ખાતે CCTV કેમેરા લગાવવા સુચના આપવામાં આવી છે.
આ પ્રકારની ડોકટરના લેખિત લખાણ સિવાય પ્રતિબંધિત દવાઓનું બાળકો /અન્યને વેચાણ કરવા અને પદાર્થ રાખવા ચોક્કસ બાબતનું નિયમન કરવાની જોગવાઇ કરેલ છે. આથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન. કે. મુછાર દ્વારા જહેરનામું બહાર પાડી હુકમો ફરમાવવામાં આવ્યા છે.
જે અનુસાર મોરબી જિલ્લામાં આવેલ તમામ જથ્થાબંધ તેમજ છુટક દવાઓની દુકાનો ખાતે CCTV કેમેરા ફરજીયાત પણે લગાડવાના રહેશે. CCTV કેમેરાની ગોઠવણી તે જગ્યામાં પ્રવેશતા વ્યક્તિઓના ચહેરા સ્પષ્ટ રીતે દેખાય તે રીતે લગાડવાના રહેશે. તેમજ ઉક્ત એકમના અંદરના ભાગોમાં પણ નિયત સંખ્યામાં સંપૂર્ણ એકમને આવરી લેતા CCTV કેમેરા અંદર તથા બહાર લગાડવાના રહેશે. તેમજ તેના બેકઅપની જાળવણી એક માસ સુધી રાખવાની રહેશે. ઉપરોક્ત એકમ ખાતે CCTV કેમેરા જે તે સમયે ઉપલબ્ધ અદ્યતન ટેકનોલોજીવાળા અને નાઇટ વિઝન સુવિધા વાળા અને નિયત કરેલ સ્ટોરેજ કેપેસીટી સાથેની સુવિધા વાળા લગાવવાના રહેશે. તમામ CCTV કેમેરામાં ભારતીય માનક અનુસારના ચોક્કસ સમય અને તારીખ નિયત કરવાના રહેશે. દવાઓની દુકાનમાંથી વેચાણ કરવામાં આવતી શીડયુલ H, H1 અને X પ્રકારની દવાઓના વેચાણ સબંધિત રજીસ્ટરનું ડિજિટાઇઝેશન પણ કરવાનુ રહેશે.
આ હુકમનો અનાદાર કે ભંગ કરનાર અથવા તેમ કરવામાં મદદગારી કરનાર સામે ભારતીય દંડ સંહિતા,૧૮૬૦ના પ્રકરણ-૧૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે

(11:59 pm IST)