Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરો તાપ

મહત્તમ તાપમાનનો પારો સતત ઉંચો આવતા લોકો હેરાન

રાજકોટ તા.૧૦ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ બની જાય છે.

સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે. અને જેમ જેમ દિવસ પસાર થાય છે. તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે.

બપોરના સમયે આકરા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠે છે.

રાજયભરમાં સતત ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ સતત મહત્તમ તાપમાન ૪૦ થી ૪૧ ડીગ્રી વચ્ચે જોવા મળી રહ્યું છે હવાની ગતિમાં બદલાવ આવતા ન્યુનતમ તાપમાનમાં પણ સતત બદલાવ નોંધાયો છે ત્યારે શુક્રવારે હવાની ગતિ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફ જોવા મળી હતી, અને બપોરના રોજ સુકો પવન પણ ફેંકાયો હતો. લોકોને એજ પ્રશ્ન થાય છે કે આ તાપમાંથી કયારે મુકિત મળશે હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી ૪ થી પ દિવસ મહત્તમ તાપમાનમાં કોઇ વધુ ફેર નહી આવે અને તાપમાન ૪૦ ડિગ્રીથી ૪૧ ડિગ્રી વચ્ચે રહેવાની પણ આગાહી કરવામાં આવેલી છે. ત્યાર બાદના ૩ દિવસ પછી એટલે આવતા સપ્તાહમાં મહત્તમ તાપમાનમાં ર થી ૩ ડીગ્રીનો ઘટાડો નોંધાશે અને લોકોને ગરમીમાંથી રાહત પણ મળશે.

હવામાન વિભાગની આગાહી મુજબ જયારે હવામાં ભેજનું પ્રમાણ વધે કે ઘટે તેની સીધી અસર ન્યુતમ તાપમાન પર અનેગરમી પર પડતી હોય છે. ત્યારે આગામી સપ્તાહથી ગરમીમા ર થી ૩ ડિગ્રીનો ઘટાડો નોંધાશે, જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળી રહેશે.

(3:00 pm IST)