Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ભુજમાં પોલીસને મોટી સફળતા :ગાંજાના વેચાણનું નેટવર્ક ઝડપાયું : સુરતથી ગાંજો લાવી ભુજમાં વેચતા હતા : પાંચ આરોપીની ધરપકડ

ભુજના યુવા વર્ગને ટાર્ગેટ કરી ગાંજાનુ વેચાણ કરતા શખ્સોને SOG એ ઝડપી પાડ્યા:આઠ મહિનાથી ચાલતો હતો કાળો કારોબાર

ભુજમાં પોલીસને મોટી સફળતા મળી છે. સરહદી કચ્છ જીલ્લામાં આંતરારાષ્ટ્રીય રૂટ મારફતે ડ્રગ્સ ધુસાડવાના પ્રયત્નોની સાથે ગાંજા જેવા માદક પ્રદાર્થના સપ્લાય અને વેચાણ કરવાનુ ચલણ પણ વધ્યુ છે. જો કે પાછલા થોડા મહિનાઓથી ભુજના યુવા વર્ગને ટાર્ગેટ કરી ગાંજાનુ વેચાણ કરતા શખ્સોને SOG એ ઝડપી પાડ્યા છે.

ભુજમાં ગાંજાના સપ્લાય અને વેચાણનું નેટવર્ક ચલાવતા અક્ષય ઈશ્વર સોંલકી તથા પંકજ રમેશગર ગુંસાઇની ગાંજા સાથે ધરપકડ કર્યા બાદ તેની પુછપરછ કરતા અન્ય 3 શખ્સોના નામ પણ ખુલ્યા હતા. જેથી પોલીસે ઉંડાણ પુર્વકની તપાસ શરૂ કરી હતી. જેમાં રામ ગોપાલ ગઢવી, પવન સનત મહેતા તથા અભિષેક સુદામાસિંગ યાદવનુ નામ પણ તપાસમાં ખુલતા તેમની પણ પોલીસે ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરી છે.

પોલિસે કરેલી પ્રાથમિક તપાસમાં મુખ્ય સુત્રધાર એવા અક્ષય સોંલકી તથા પવન મહેતા સુરતથી આ ગાંજાનો જથ્થો લાવતા અને ત્યાર બાદ ભુજની કોલેજના વિદ્યાર્થી અને યુવાનોને ગાંજો વેચતા હતા. જેમાં ભુજની બે કોલેજ અને એક મેડીકલ કોલજના વિદ્યાર્થીઓ પણ સામેલ હોવાનું પોલીસ સુત્રોએ ઉમેર્યુ છે. જો કે હાલ પ્રાથમિક તપાસ ચાલુ હોય પોલીસે આ અંગે વિગતો આપવાનું ટાળ્યુ છે.

ભુજમાં 8 મહિનાથી ગાંજાના સપ્લાય અને વેચાણનું આ નેટવર્ક અલગ-અલગ વ્યક્તિઓ ચલાવતા હતા. ભુજની કોલેજના યુવાનો ગાંજાની ખરીદી કરતા હોવાની ગંભીર બાબત સામે આવી છે જેથી SOG એ પાંચે શખ્સોને ઝડપી તેની સાથે અન્ય કેટલા સાગરીતો છે અને કેટલા સમયથી તેઓ ભુજ શહેરમાં ગાંજાનુ સપ્લાય અને વેચાણ કરી રહ્યા છે, તે દિશામાં તપાસ શરૂ કરી છે.

આ નેટવર્કમાં મુખ્ય સુત્રધાર તરીકે અક્ષય સોંલકી તથા પવન મહેતા હોવાનું સામે આવ્યુ છે. તો ગાંજો વેચતા ઝડપાયેલા 5 વ્યક્તિઓ પૈકી અભિષેક યાદવ પોલીસપુત્ર હોવાનું પણ સામે આવ્યુ છે. પોલીસ તેમના રીમાન્ડ મેળવી કોલેજના કેટલા વિદ્યાર્થી તેના સંપર્કમાં હતા કેટલા સમયથી ગાંજો ખરીદતા હતા આ તમામ બાબતોની ઉંડાણપૂર્વકની તપાસ કરશે

(9:04 pm IST)