Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

અષાઢ ઉચારં, મેઘ મલ્હારં, બની બહારં, જલધારં

ભાવનગર રાજયના મેઘકંઠીલા રાજકવિ શ્રી પિંગળશી નરેલાની કાલે ૧૬૫મી જન્મજયંતી

મહારાજા તખ્તસિંહજી, ભાવસિંહજી તથા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ એમ સતત ત્રણ રાજપેઢી સુધી પિંગળશીભાઈએ રાજકવિ પદ દીપાવ્યું

(વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા.૧૦: ભાવેણાંના રાજયકવિ શ્રી પિંગળશીભાઈ નરેલા (ગઢવી)નો જન્મ તા.૧૦/૧૦/૧૮૫૬ના રોજ ગોહિલવાડ રાજયની પુરાતન રાજધાની સિહોર ખાતે, રાજયકવિ પિતા પાતાભાઈ નરેલા અને માતા આઈબાની પવિત્ર કુખે થયો હતો. તળાજા તાલુકાનું શેવાળિયા ગામએ તેઓનું મોસાળ હતું. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ચારણી અને વ્રજભાષાના તેઓ જાણકાર હતાં.

આ નરેલા પરિવારની સતત પાંચ પેઢી મુળુભાઈ, પાતાભાઈ, પિંગળશીભાઈ, હરદાનભાઈ અને સૌથી છેલ્લે બળદેવભાઈ નરેલાએ રાજયકવિનું પદ શોભવ્યું હતું જયારે મહારાજા તખ્તસિંહજી, ભાવસિંહજી તથા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ એમ સતત ત્રણ રાજપેઢી સુધી પિંગળશીભાઈએ રાજયકવિ પદ દીપાવ્યું હતું. તેઓ માત્ર રાજયકવિ જ ન હતાં પરંતુ એક પવિત્ર ચારણ અને પ્રભુપારાયણ મહાપુરુષ પણ હતાં, માટે જ તેઓને દેવતાતુલ્ય ચારણનું બિરુદ મળ્યું હતું. તેઓના સંત સમાન હૃદયને સાચું જળ તો મહારાજા તખ્તસિંહજીએ જ સિચ્યું હતું. મહારાજના તમામ સખાવતી કામ આ રાજયકવિની દેખરેખ હેઠળ જ ચાલતાં હતાં. રાજયકવિની પ્રેરણાથી જ ભાવનગરની પ્રજાને સર તખ્તસિંહજી સરકારી હોસ્પિટલની ઉત્ત્।મ ભેટ મળી છે.

દરરોજ સવારે ચાર વાગ્યે જાગતા અને હાથમાં કલમ ધારણ કરી સરસ્વતીની કૃપાથી એક ઉત્ત્।મ પદની રચના કરતા હતાં. શિવ અને શકિતના ગણ સમાન આ ચારણ કવિએ બરવાળા પંથકમાં બિરાજમાન પાંડવ સ્થાપિત ભીમનાથ મહાદેવની આરાધના કરતાં ચર્ચરી છંદમાં લખ્યું છે કે

આદિ શિવ ઓઉંકાર, ભજન હરત પાપ ભાર,

નિરંજન નિરાકાર ઈશ્વર નામી,

દાયક નવ નિધિ દ્વાર, ઓપત મહીમા અપાર,

સર્જન સંસાર સાર શંકર સ્વામી,

ગેહરી શિર વહત ગંગ, પાપ હરત જળ તરંગ,

ઉમિયા અરધંગ અંગ કેફ આહારી,

સુંદર મૂર્તિ સમ્રાથ, હરદમ જુગ જોડી હાથ,

ભજહું મન ભીમનાથ શંકર ભારી...૧.

લોકસાહિત્યના કાર્યક્રમોમાં રજૂ થતાં તેઓના તુવર્ણનો આજે પણ ખૂબ જ લોકપ્રિય ઉપરાંત લોકહૈયે વસેલાં છે.

અષાઢ ઉચારં, મેઘ મલારં, બની બહારં, જલ ધારં,

દાદૂર, હકારં, મયુર પુકારં, તડિતા તારં, વિસ્તારં,

નાં લહિ સંભારં, પ્યાસ અપારં, નંદ કુમારં, નીરખ્યારી,

કહે રાધે પ્યારી, હું બલિહારી, ગોકુલ આવો ગિરિધારી....૯

જયારે શૂરવીરતા વિષયક તેઓના ત્રિભંગી છંદ આજે કેમ વિસરાય...??

કર ધરી તલવારં, કમર કટારં, ધનુકર ધારં, ટંકારં,

બંદૂક બહારં, મારં મારં, હાહા કારં હોકારં,

નર કંઈ નાદારં, કરત પુકારં, મુખ ઉચારં, રામ નથી,

વીત વાવરવાનું, રણ ચડવાનું, ના મરદાનું કામ નથી....૩.

તેઓ ભાવનગરના રાજયકવિ હતાં પરંતુ રાજયમાં પધારેલ અન્ય કવિઓને રાજમાંથી ભેટ મળી હોય તેમ છતાં પોતે પણ ભેટ અર્પણ કર્યા બાદ જ કવિઓને વિદાય કરતાં હતાં.તેઓ ભકતકવિ ઉપરાંત દાતાર તરીકે પણ જાણીતા હતાં.

ભાવેણાં સ્ટેટ તરફથી તેઓને ૧૦ સાંતીનું શેઢાવદર (તા.ભાવનગર) ગામ અર્પણ કરવામાં આવેલું. એક વખત તેઓ ખળાટાણીમાં શેઢાવદર ગયેલાં. ખેડૂતો અને પોતાના ભાગની વહેંચણી થતી હતી તે સમયે ત્યાં કોઈક માગણિયાત આવી ચડ્યા. તેઓએ પોતાના ભાગમાંથી દાણા આપવા માટે ખેડૂતને જણાવ્યું. ખેડૂતે માગણિયાતના ફાળિયામાં થોડું અનાજ આપ્યું. રાજયકવિ બેઠાં-બેઠાં જોયા કરે અને ખેડૂતને કહે ઙ્કમારા ભાગમાંથી અનાજ આપતાં પણ તારો જીવ કેમ નથી ચાલતો ?ઙ્ખ તુરંત જ તેઓ ઉભા થયાં, ફરીથી ફાળિયું સરખું પથરાવ્યું અને પોતાના અનાજના ઢગલામાંથી આડે હાથે બે-ચાર છાલકું મારી ત્યાંતો ફાળિયામાં સમાય નહીં એટલો મોટો ઢગલો થઈ ગયો. સાથે-સાથે તેઓની આંગળીમાં પહેરેલો સોનાનો વેઢ પણ સરીને ફાળિયામાં જઈ પડ્યો.

ખેડૂત કહે : 'બાપુ, ફાળિયામાં વેઢ પડી ગયો.'

પિંગળશી બાપુ કહે : 'ભલે રહ્યો, તેના ભાગ્યનો હશે.

(11:43 am IST)