Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

પોલીસ કમિશનર કચેરીના દાદરા ચઢતી વખતે જેતપુરના તરૂણ આફતાબનું મોત

મિત્રને મળેલો મોબાઇલ રાજકોટ પોલીસ પાસે જમા કરાવવા આવ્યો'તો : ૧૬ વર્ષના ટેણીયાને વર્ષોથી શ્વાસની બિમારી હતીઃ પડોશી સોયેબ સાથે રાજકોટ આવ્યો'તો

રાજકોટ તા. ૧૦: જેતપુરમાં ખાખી મઢી પાસે રહેતો આફતાબ અલ્તાફભાઇ શેખ (ઉ.વ.૧૬) ગત સાંજે રાજકોટ પોલીસ કમિશનર કચેરીના બીજા માળે જવા માટે મિત્ર સોયેબ ઇસ્માઇલભાઇ રફાઇ સાથે દાદરા ચઢી રહ્યો હતો ત્યારે શ્વાસ ચડી જતાં બેભાન થઇ જતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસ મથકમાં જાણ કરતાં હેડકોન્સ. વિમલેશભાઇ રાજપૂત અને પ્રશાંતભાઇ મારૂએ જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર આફતાબ એક બહેનથી મોટો અને માતા-પિતાનો એકનો એક દિકરો હતો. તેને નાનપણથી શ્વાસની બિમારી હોઇ તે બહુ બહાર નીકળતો નહોતો.

બે મહિના પહેલા ગોંડલમાંથી એક મોબાઇલ ફોન મળ્યો હોઇ તે અંગે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં મોબાઇલ માલિકે જાણ કરી હોઇ તેના આધારે આ ફોન ટ્રેસ થયો હતો.

આથી ગઇકાલે પોલીસ સ્ટેશનમાંથી ફોન જમા કરાવી જવાની સુચના મળતાં ગઇકાલે આફતાબ મિત્ર-પડોશી સોયેબ સાથે આ ફોન જમા કરાવવા આવ્યો હતો. અહિ લિફટનો ઉપયોગ કરવાને બદલે દાદરા ચઢતી વખતે આફતાબને શ્વાસ ચડી ગયો હતો અને સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.  બનાવથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

(11:38 am IST)