Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

પ્રેમ સંબંધની આશંકાએ જુનાગઢમાંથી યુવાનનું અપહરણ-ગળે ટૂંપો દઇ મારી નાખવાની કોશિષ

વંથલી, કેશોદ પંથકના ચાર શખ્સોને ઝડપી લેવા પોલીસની કવાયત

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૦ :.. પ્રેમ સંબંધની આશંકાએ જૂનાગઢમાંથી યુવાનનું અપહરણ કરી બાદમાં તેને વાડીએ  લઇ જઇ ચાર શખ્સોએ ગળેટૂપો દઇ મારી નાખવાની કોશિષ કરતાં સનસની મચી ગઇ હતી.

આ બનાવની વિગતો એવી છે કે કેશોદનાં સોંદરડા ગામનો વતની દિનેશ અતુલભાઇ ચાવડા હાલ જુનાગઢના ઝાઝરડા વિસ્તારમાં રહે છે અને પ્રાઇવેટ નોકરી કરે છે.

તા. ૮ નાં રોજ આ યુવાન ઝાંઝરડા રોડ વિસ્તારની એક પાન-બીડીની દુકાન પર હતો ત્યારે તેને વંથલીના કોયલી ગામનો પૃથ્વી દાસા નામનાં શખ્સે ફોન કરી ઝાંઝરડા ચોકડી ખાતે બોલાવ્યો હતો.

જયાં પૃથ્વીએ દિનેશને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા કરી તેની સાથે બોલાચાલી કરી હતી.

બાદમાં પૃથ્વી દાસા તેમજ કેશોદ તાલુકાના કોયલાણા ગામનાં જયદીપસિંહ રાયજાદા, કોયલી ગામનો પાર્થ એકસેસ સ્કુટરમાં બેસાડી દિનેશ ચાવડાનું પૃથ્વી દાસાની વાડીએ અપહરણ કરી ગયા હતાં.

જયાં યુવાનને કેફી પીણુ પીવડાવી અને તેને ખપારીનાં હાથા વડે તેમજ લાકડાનાં ધોકા વડે માર મારી તેમજ પૃથ્વી દાસાએ મોબાઇલ ફોનનાં ચાર્જરના વાપરથી દિનેશને ગળે ટૂપો આપી મારી નાખવાની કોશીષ કરી હતી.

આ પછી તમામ શખ્સો યુવક પાસેથી મોબાઇલ ફોન, ઘડીયાળ, ઇયર ફોન અને રૂ. ૭૦૦ ની રોકડની લૂંટ ચલાવીને નાસી ગયા હતાં.

આ અંગે ગઇકાલે બપોરે જૂનાગઢ તાલુકા પોલીસે ખાતે પ્રોબેશનર એએસપી વિશાખ ડબરાલે ફરીયાદ લઇ આગળની તપાસ હાથ ધરી હતી.

(12:51 pm IST)