Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

જામનગર જીઇબી કૌભાંડ : ૮૦ થી ૯૦ જેટલા વીજ કનેકસનમાં ગેરરીતિ અંગે એમડીને રિપોર્ટ : છત્રોલા સહિત ત્રણ જવાબદાર : સનસનાટી

૨૦૦૭થી ૨૦૧૪ દરમિયાન GIDCમાં H.T.ને બદલે L.T.ના કનેકશન આપી દિધાનું ખુલ્યું : અન્ય બે ડે.ઇજનેરો માંડલીયા - લીંબાચીયા અંગે પણ રીપોર્ટ : વીજ તંત્રને ૨ કરોડનું નુકસાન કરાવી દિધુ

રાજકોટ તા. ૧૧ : જામનગર જીઇબી તંત્રમાં ૨૦૦૭થી ૨૦૧૪ દરમિયાન જીઆઇડીસીમાં ૮૦ થી ૯૦ જેટલા વીજ કનેકશનોમાં ગેરરીતિ થઇ હતી. H.T.ને બદલે L.T. કનેકશનો આપી દિધાનું બહાર આવતા જીયુવીએનએલ - GECથી ડાયરેકટ તપાસની સૂચના આવતા ૨ થી ૩ મહિના પહેલા પીજીવીસીએલના એમ.ડી. શ્રી શ્વેતા નેઓરીયાએ વીજ તંત્રની વીજીલન્સ બ્રાંચના હાઇલેવલ અધિકારીને તપાસ સોંપી હતી.

વીજીલન્સના ડીવાયએસપી શ્રી ઠક્કર અને તેમની ટીમે એકધારી તપાસ હાથ ધરતા અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી છે, આજે તેમણે એમડીને રીપોર્ટ સોંપી દિધાનું કોર્પોરેટ કચેરીના ટોચના અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું.

એમડીને સોંપાયેલ રીપોર્ટમાં ૨૦૦૭થી ૨૦૧૪ દરમિયાન જામનગર GIDCમાં ૮૦ થી ૯૦ જેટલા વીજ કનેકશનો H.T.ને બદલે L.T.ના આપી દિધાનો ધડાકો થયો છે, અને તેમાં તાજેતરમાં જામનગરથી જેતપુર બદલી કરી નખાયેલા એકઝી. ઇજનેર એ.એ.છત્રોલા જવાબદાર હોવાનું કહેવાતા સનસનાટી મચી જવા પામી છે, આ ઉપરાંત હાલ રીટાયર્ડ થઇ ગયેલા જામનગરના અન્ય બે ડે.ઇજનેરો માંડલીયા અને લીંબાચીયા બંનેના નામો પણ રીપોર્ટમાં કહેવાતા ખળભળાટ મચી ગયો છે, ઉપરોકત ત્રણેય ઇજનેરો અંગે એમડીને રીપોર્ટ કરી દેવાયો છે.

રીપોર્ટમાં વીજ કનેકશનોમાં ગેરરીતિ અને તેના કારણે વીજ બોર્ડને અંદાજે ૨ કરોડનું નુકસાન થયાનું પણ કહેવાયું છે, ૮૦ થી ૯૦ જેટલા ગ્રાહકોને ફાયદો થયાનું કહેવાયું છે, રીપોર્ટમાં છત્રોલાનું નિવેદન લેવાયાનું કહેવાયું છે, જેમાં છત્રોલાએ એવું નિવેદન આપ્યું છે કે, પોતે આમાં કંાઇ જવાબદાર નથી, કાયદેસર જ કનેકશન આપ્યા છે, નિયમો મુજબ જ કર્યાનું નિવેદન આપ્યું છે.

એમડીને રીપોર્ટ અપાતા હવે છત્રોલા સહિત ત્રણેય સામે એમડી શું પગલા ભરે છે, તે ઉપર મીટ છે, વીજ બોર્ડને નુકસાન થયું તે અંગે ગ્રાહકો પાસેથી વસુલાત કરવી કે કેમ તથા અન્ય કયાં પગલા લેવા તે હવે આગળના દિવસોમાં નિર્ણય લેવાશે તેમ સૂત્રો જણાવી રહ્યા છે, હાલ તો જામનગરના આ વીજ કૌભાંડે ભારે ચર્ચા જગાવી છે.

(1:02 pm IST)