Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

...જ્યારે કચ્છ સરહદ ઉપર છવાયો દેશભક્તિ સાથે ભાતૃભાવનો માહોલ!!

સરહદે તિરંગા યાત્રા સાથે રક્ષાબંધને સર્જ્યા ભાવવાહી દ્ર્શ્યો : વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યે અને સાંસદ વિનોદભાઇ ચાવડાએ જવાનો સાથે તિરંગા અને રક્ષાબંધન પર્વની ઉજવણી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧

 દેશની પશ્ચિમ સરહદે કચ્છની બોર્ડર ભેડીયાબેટ હનુમાન મંદીર ખાતે તેમજ ૭૪ બટાલીયન બોર્ડર આઉટ પોસ્ટ પર હરઘર તિરંગા અભિયાન અંતર્ગત જવાનોને સરહદ પર લહેરાવા રાષ્ટ્ર ધ્વજ અર્પણ કરાયા તેમજ તિરંગા યાત્રા યોજી જવાનોનું મનોબળ વધારાયું હતું.

કચ્છ લોકસભા પરિવાર અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા સરહદના જવાનોને આઝાદીના અમૃત મહોત્સવ અને હરઘર તિરંગા અભિયાન હેઠળ આજરોજ વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યની પ્રેરક ઉપસ્થિતિમાં સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા તેમજ જિલ્લા અગ્રણીશ્રીઓએ ૭૫૦૦ જેટલા રાષ્ટ્ર ધ્વજ તિરંગાનું વિવિધ સરહદોની ચોકી પર વિતરણ કર્યા હતા.

જે પૈકી ભેડીયાબેટ હનુમાન મંદિર ખાતે ૧૫૦ ઉપરાંત જવાનોને તિરંગાનું વિતરણ કરાયું હતું તેમજ અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા સહિત જિલ્લાની અગ્રણી અને શાસકપક્ષની મહિલાઓએ દર વર્ષની જેમ સરહદના જવાનોને રાખડી બાંધી તેમની રક્ષાની પ્રાર્થના કરી હતી. આ તકે અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય સહિત સૌએ ભેડિયાબેટ હનુમાન મંદિર શીશ ઝુકાવી જનસુખાકારીની પણ પ્રાર્થના કરી હતી.

૭૫ વાહનો સાથે ૩૦૦ થી વધુ લોકો સાથે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આઝાદીનાં ૭૫ વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં હર ઘર તિરંગા ભારત સરકાર દ્વારા પ્રસ્તાવિત અભિયાન છે. દરેક ભારતીય તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ પોતાના ઘરે - ધંધા રોજગાર સ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવે જેથી ભારતની જનતામાં દેશ ભક્તિ અને રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે આદરની ભાવના કેળવવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકોને અપીલ કરી હતી. રાષ્ટ્રધ્વજનું સન્માન અને સ્વાતંત્ર્ય સેનાનીનું પણ સન્માન આ દરમ્યાન થશે. ભારતનો રાષ્ટ્રધ્વજ શાંતિ - પ્રેમ અને એકતાનું પ્રતિક છે. જેના માટે તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ વચ્ચે દેશભક્તિનાં અનેક કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે. 

ભારતને આઝાદી મળ્યા પછી છેલ્લા ૭૫ વર્ષ માં તેમાં પણ છેલ્લા દાયકામાં દેશે દરેક ક્ષેત્ર માં પ્રગતિ કરી છે. આપણાં દેશે વિજ્ઞાન અને ટેક્નોલૉજી, તબીબી વિજ્ઞાન અને બધાજ ક્ષેત્રોમાં પ્રચંડ પ્રગતિ કરી છે. આપણે વિકાસના ઉચ્ચ સ્થાને છીયે તેની ઉજવણી કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. દરેક ભારતીયો - આપણાં કચ્છી બાંધવો એ ઘર ઘર તિરંગા અભિયાન ની ઉજવણી માં ભાગ લઈ ખુબજ ગર્વ અનુભવવો જોઈએ તેમ સાંસદશ્રી એ જણાવ્યું હતું.

૭૪ બટાલિયન ખરડોઈ ખાતેથી આ તકે સૌએ ભારત-પાકની આંતરરાષ્ટ્રીય સરહદ સુધી તિરંગા યાત્રા યોજીને જવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.

હરઘર તિરંગા અને રક્ષાપર્વના પગલે જવાનોમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દેશભકિતના ગીતો અને દેશપ્રેમથી છલકાતી આ તિરંગા પદયાત્રામાં ૭૫ કાર રેલી પણ જોડાઇ હતી કે જેનું પ્રસ્થાન સવારે ભુજથી અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યે કરાવ્યું હતું.

આ પ્રસંગે બોર્ડર સીકયુરીટી ફોર્સ-સીમા સુરક્ષા બળના સર્વશ્રી ડીઆઇજી સંજયકુમાર શ્રીવાસ્તવ, કમાન્ડન્ટશ્રી પ્રેમકુમાર, ડેપ્યુટી કમાન્ડરશ્રી મનોજ રાય અને બી.એસ.રાવત તેમજ શ્રી કે.એલ.વર્મા અને કે.વી.ગુર્જર સાથે સરહદના પ્રહરીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

આ પ્રસંગે સર્વશ્રી સરહદ ડેરીના ચેરમેનશ્રી વલમજીભાઇ હુંબલ, જનકસિંહ જાડેજા, અસ્મિતાબેન ગોર, દિલીપભાઇ દેશમુખ, મહેન્દ્રભાઇ પટેલ, ત્રિકમભાઇ છાંગા, હરિભાઇ જાટીયા, અનિરુધ્ધભાઇ દવે, ડો.મુકેશ પટેલ, ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, અંજાર ધારાસભ્યશ્રી વાસણભાઇ આહિર, પૂર્વ ધારાસભ્યશ્રી પંકજભાઇ મહેતા, ભુજ નગરપાલિકાના ઉપ-પ્રમુખ રેશ્માબેન ઝવેરી, અગ્રણી રશ્મીબેન ઝવેરી, જયંતભાઇ ઠકકર, શિતલ શાહ, હિતેશ ખંડોર સહિત શહેરના અગ્રણીઓ, નગરજનો અને શાસક પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.

(10:25 am IST)