Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

કચ્છમાં મહિલા કોન્સ્ટેબલ સાથે દુષ્કર્મઃ મૂળ ભાવનગરના અને ભુજમાં ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ

રાજકોટ, ભાવનગર, અમદાવાદ, ભુજ, કાળા ડુંગર સહિતના સ્થળે વારંવાર મરજી વિરૂદ્ઘ શરીર સંબંધ બાંધ્યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૧: મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોતાના સહકર્મી પુરુષ પોલીસ કોન્સ્ટેબલ ઉપર દુષ્કર્મ અંગેની નોંધાવેલી ફરિયાડે કચ્છના પોલીસ બેડામાં ચકચાર સર્જી છે. કાયદાના રક્ષકો સામે અનેક સવાલો સર્જતી દુષ્કર્મની આ ફરિયાદ અનુસાર સાથી કોન્સ્ટેબલ દ્વારા ફરિયાદી મહિલા કોન્સ્ટેબલ ઉપર અનેક વાર દુષ્કર્મ આચરાયું હતું. અત્યારે ભુજ પોલીસ લાઈનમાં રહેતા અને મૂળ ભાવનગર ચિત્રાના જતીન બધાભાઈ ચૌહાણ વિરૂદ્ઘ ભુજ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરાઈ છે. ફરિયાદી ૩૦ વર્ષીય મહિલા કોન્સ્ટેબલ અને જતીન બધાભાઈ ચૌહાણ એ બન્ને સાથે ફરજ બજાવતા હોઈ ૨૦૧૬ થી પરિચયમાં આવ્યા હતા. લગ્નની લાલચ આપીને જતીન ચૌહાણે ફરિયાદી મહિલા કોન્સ્ટેબલ સાથે રાજકોટ, ભાવનગર, અમદાવાદ, ભુજ, કાળો ડુંગર, ખાવડા સહિતના સ્થળે મરજી વિરૂદ્ઘ શરીર સબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. દરમ્યાન હાલે ભુજના પધ્ધર પોલીસ સ્ટેશને ફરજ બજાવતા જતીન બધાભાઈ ચૌહાણે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. ડીવાયએસપી બી.એમ. દેસાઈએ તપાસ કરી કાયદાકીય કાર્યવાહી કરાશે એવું જણાવ્યું હતું.

(10:23 am IST)