Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

અમિતાભ બચ્ચનનો જન્મદિનઃ સોમનાથ મહાદેવ સાથેના સંસ્મરણો

'ખુશ્બુ ગુજરાત કી..' ના શુટીંગ માટે આવ્યા'તાઃ વીઆઇપી ગેસ્ટ હાઉસમા ૧ નંબરના રૂમમા રોકાયા'તા જેની અમિતાભવાળા રૂમ તરીકે ઓળખ

(મીનાક્ષી - ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ૧૧ :.. ભારતના સુપર સ્ટાર ફિલ્મ અભિનેતા અને સદીઓના મહાનાયક - વિશ્વ્ અભિનય સમ્રાટ અમિતાભ બચ્ચનનો આજે ૧૧ ઓકટોબરે જન્મ દિવસ છે.

તા. ૧૧-૧૦-૧૯૪ર ના રોજ અહલાબાદ ખાતે જન્મેલા મીલેનીયમ સ્ટાર અમિતાભ 'ખુશ્બુ ગુજરાત' ટુરીઝમ પ્રમોશન શુટીંગ માટે સોમનાથ આવી ચુકેલા છે.

બોલીવુડના આ શહેનશાહ માટે હાલ સોમનાથ મંદિર પાસે આવેલ વી. વી. આઇ. પી. ગેસ્ટ હાઉસમાં એક નંબરનો રૂમ રાખવામાં આવેલ હતો. જેની ઓળખ આજે પણ અમિતાભવાળા રૂમ તરીકે ઓળખાય છે.

સોમનાથના ભાસ્કર વૈદ્ય તે સંસ્મરણો વાગોળર્તા કહે છે, 'સોમનાથ ખાતે જે દિવસોમાં રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન આવે છે ત્યારે જેવી સજાવટ અને વ્યવસ્થાઓ કરાય છે તેવી ભવ્ય વ્યવસ્થાઓ ગોઠવાઇ હતી.

સમગ્ર સોમનાથ મંદિરના ઘેરાવાને ભરત કામવાળા રંગબેરંગી તોરણો લગાવાયા હતાં. મંદિરના સ્થંભો રંગબેરંગી ખાસ બેંગલોરથી મંગાવેલા કમળફુલ જેવાં જલબેરાના ફુલો લગાવાયા હતાં. મંદિર અંદરની ર્ફસ ઘસી-ઘસીને સફાઇ સાથે ચકચકીત ચળકાટવાળી બની હતી.

અમિતાભના રૂમમાં ખાસ ઇન્ટરનેટ જોડાણવાળુ કોમ્પ્યુટર લગાવાયું હતું જેથી તે સોમનાથ મુલાકાત દરમ્યાન પોતાના સ્વહસ્તે બ્લોગ લખી એક જ કલીકથી વિશ્વના ઇન્ટરનેટોમાં ઝળહળી શકે. અમિતાભના રૂમમાં વિશાળ સ્ક્રીનનું એલએસડી ટી.વી. ગોઠવાયું હતું.

તેની ઊંચાઇ પાંચ ફુટથી વધુ હોઇ આવડો પલંગ અહીં ન હોય જેથી આ અગાઉ સાસણ આવેલ તે સમયે તેને માટે ખાસ સુતારો દ્વારા બનાવાયેલ પલંગ ખાસ વાનમાં સાસણથી સોમનાથ આવેલ હતો.

અમિતાભ પોતાનું વિશાળ વેલિનીટી વાન ખાસ લાવેલ હતા જેમાં મેક અપ, ફ્રેસ થવું, ભોજન સહિતની સુવિધાઓ હતી.

અમિતાભની ઊંચાઇ ૬ ફુટ બે ઇંચ હોય જેથી તે માપનો અને માત્ર તેને જ કામ લાગે તેવી લંબાઇનો પલંગ હતો.

અમિતાભે સોમનાથ મંદિરમાં હજારો દિવડાઓ સામે ઊભીને તેમજ હાલના કિર્નન હોલના ગણપતિ મંદિર પાસે આવેલા હોલના ખૂણે તેમજ સોમનાથ મંદિર બહાર અહલ્યાબાઇ સોમનાથ મંદિર પાસેના વડલા પાસે આવેલ એક આઇસ્ક્રીમ શોપના ઓટલા ઉપર ઉભી અભિયન 'ખુશ્બુ ગુજરાત કી' એક બાર જરૂર સોમનાથ જયોર્તિલીંગ આઇયેં નું શુટીંગ કરેલ જે ટીવી, વર્તમાનપત્રો, ઇન્ટરનેટોમાં બહુ જ પ્રસારીત કરાયું અને ત્યારથી સોમનાથ મંદિરની મુલાકાતમાં ભાવિકો-પર્યટકોનો પ્રવાહ દિનપ્રતિદિન ખૂબ જ વધતો જ રહ્યો છે જે આજે વિરાટ પ્રવાસીઆંક સુધી પહોંચેલ છે. અમિતાભે સોમનાથ મંદિરના લાઇટ, એન્ડ સાઉન્ડ શોમાં પણ પોતાનો અવાજ વીના મુલ્યે આપેલ છે.

અમિતાભને 'કુલી' ફિલ્મમાં જયારે અકસ્માત નડયો અને ગંભીર ઇજા સાથે હોસ્પિટલ બોમ્બેમાં દાખલ કરાયો ત્યારે પ્રભાસની આસપાસના સીને ચાહકો તે જલ્દી સાજો થાય તે માટે સોમનાથમાં પ્રાર્થના - મનોમન પૂજા કરી હતી. અને અમિભાતના ઘેરે પોષ્ટ કવરમાં સોમનાથના બિલ્વપત્રો-પુષ્પો મોકલી જલદી સાજો થાય તેવા આર્શીવાદ - પ્રાર્થના કરેલ હતી.

કૌન બનેગા કરોડપતિમાં આ વિસ્તારના જે જે લોકોનો ર્ટન લાગેલ તેઓ ખાસ સોમનાથનો ફોટો-બિલ્પત્ર-રૂદ્રાક્ષ માળા ખાસ લઇ જતા અને જીતે કે ન જીતે પણ પોતે સોમનાથથી આવેલા છે તે તેને યાદ કરાવતાં.

અમિતાભના સોમનાથ આગમન તા. ૪-૬-ર૦૧૦ ના રોજ સોમનાથ આવેલ ત્યારે અઢળક પોલીસ બંદોબસ્ત કોઇ ચકલું યે ન ફરકી શકે તેવો જડબેલાક બંદોબસ્ત હતો.

રાજકોટ-અમદાવાદ અને સ્થાનીક પત્રકારો જે મહામુલા પ્રસંગને કવરેજ કરવા માટે આવેલા તેને પોલિસે અટકાવી, અટકાયત કરી થોડીવાર રોકી રાખ્યા હતા અને નામ-ઠામ-લખી લેવાયા હતા અને તેઓને જણાવી દેવા ઉપરથી આદેશ છે કે કવરેજ નહીં કરી શકો તેવું સ્પષ્ટ જણાવી દેવાયું હતું.

(11:35 am IST)