Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

ગોંડલ, વાસાવડ તથા દેરડી ગામેથી ચારવેપારી ચાઇનીઝ દોરા વેચતા પકડાયા

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧રઃ ગોંડલ શહેર અને તાલુકા પોલીસ સ્‍ટાફ ચાઇનીઝ દોરાનો જથ્‍થો ઝડપવા તપાસ ચલાવી રહી હોય તે દરમિયાન શહેરના સેન્‍ટ્રલ ટોકીઝ પાસે ભગવત પરામાં રહેતા અને જય ભવાની સીઝન સ્‍ટોર નામે દુકાન ચલાવતા વિનોદ નટુભાઇ સદાદિયાને ત્‍યાં તપાસ કરવામાં આવતા ત્‍યાંથી ચાઇનીઝ દોરાના કોન નંગ ૬ કિંમત રૂપિયા ૭૦૦ મળી આવતા તેના વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જયારે અન્‍ય દરોડો તાલુકાના વાસાવડ ગામે પાડવામાં આવતા ઝાકીર અજીતભાઇ સાકરીયાના રહેણાંક મકાનમાંથી ચાઇનીઝ દોરાની રીલ નંગ ૧૪૬ કિંમત રૂપિયા ર૯,ર૦૦ તેમજ દેરડી કુંભાજી ગામે ભાવેશ પ્રવીણભાઇ ગોળ બાપા સીતારામ દુકાનમાંથી ચાઇનીઝ દોરાની રીલ નંગ ૭૯ કિંમત રૂપિયા ૧૪,૭૦૦ ની મળી આવતા કુલ રૂ. ૪૪૬૦૦નો મુદામાલ કબજે કરી ત્રણે આરોપીઓ વિરૂદ્ધ આઇપીસી કલમ ૧૮૮ જીપીએસ ૧૩૧, ૧૭૭ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

તેમજ ગોંડલ શહેરમાં જેલ ચોક હિમાલીયા સોડાની બાજુમાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરા વેચતા મુકેશ ભાયલાલભાઇ રાજા રે. ઉમવાડા ફાટક પાસે ચોકસીનગરને ફિરકી નંગ-૧૦ સહિત ૧૩૬૦ના મુદામાલ સાથે હેડ કો. મયુરસિંહ જાડેજાએ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(12:05 pm IST)