Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

ગીરગઢડાના નવા ઝાંખિયા ગામના યુવાને છૂટાછેડાના પેંડા વહેંચ્યા :છૂટાછેડાને 1 વર્ષ પૂર્ણ થતા ફરી ઉજવણી

પેંડાના બોક્સ પર પોતાનું નામ અને મોબાઇલ નંબર પણ આપેલા : સોશિયલ મિડીયા પર વાયરલ થતા લોકો હાસ્યાસ્પદ કમેન્ટ કરી રહ્યા છે

ગીરગઢડાના નવા ઝાંખિયા ગામના એક યુવાને છુટાછેડાની પેંડા વહેંચીને ઉજવણી કરી હતી. એક વર્ષ પહેલા છુટાછેડા થયા ત્યારે બધાને પેંડા વહેંચ્યા હતા. આજે 1 વર્ષ બાદ પણ તેની ઉજવણી ચાલુ રાખી છે. નવા ઝાંખિયા ગામના ભરત કોટડિયાના 2018માં લગ્ન થયા હતા.3 વર્ષ સુધી આ લગ્ન ચાલ્યા હતા. જેમાં સતત ઘરકંકાસને લીધે તેમણે છુટાછેડા લેવાનું નક્કી કર્યુ હતુ. 2021માં બંનેના છુટાછેડા થયા હતા. તે વખતે પણ તેમણે છુટાછેડાની ઉજવણી કરી હતી. સગાવ્હાલા, મિત્રો, ઓળખીતાને પેંડા વહેંચ્યા હતા. ત્યારે આ ઘટના સોશિયલ મિડીયામાં ખૂબ જ વાયરલ થઇ હતી.

તાજેતરમાં તેમના છુટાછેડાને 1 વર્ષ પૂરુ થતા તેમણે ફરી બધાને પેંડા ખવડાવ્યા હતા. અને છૂટાછેડાના એક વર્ષની ઉજવણી કરી હતી. હાલ આ ઘટના પણ સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ છે. આ પેંડાના બોક્સ પર પોતાનું નામ અને મોબાઇલ નંબર પણ આપેલા છે. એટલુ જ નહી સૌરાષ્ટ્રમાં લોકડાયરામાં કલાકારો પણ ભરતના છુટાછેડાની ઉજવણીની કહાની પોત-પોતાની રીતે રજૂ કરીને લોકોને હસાવી રહ્યા છે. ત્યારે સોશિયલ મિડીયા પર પણ લોકો હાસ્યાસ્પદ કમેન્ટ કરી રહ્યા છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ સોશિયલ મિડીયામાં ભરતભાઇની ચારેકોર ચર્ચા થઇ રહી છે. કોઇ હાસ્યાપદ રીતે તો વળી કોઇ પોસ્ટ મૂકીને પણ આનંદ લઇ રહ્યા છે.

(9:05 pm IST)