Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

કાલથી કચ્છમાં આહિર સમાજના આસ્થાના સ્થાને વ્રજવાણીમાં પૂ.મોરારીબાપુની રામકથા

કોરોના સામે સાવધાની સાથે મર્યાદિત શ્રોતાએ સમક્ષ ૨૧મી સુધી 'શ્રીરામનામ' ગુંજશે

રાજકોટ,તા. ૧૨: પૂ.મોરારીબાપુના વ્યાસાસને કાલે તા. ૧૩ ને શનીવારથી આહિર સમાજના આસ્થાના સ્થાન વ્રજવાણી ખાતે શ્રીરામકથાનો પ્રારંભ થશે કાલે પ્રથમ દિવસે સાંજે ૪ વાગ્યે શ્રી રામકથાનો પ્રારંભ થયા બાદ તા. ૧૪ને રવિવારથી તા. ૨૧ને રવિવાર સુધી દરરોજ સવારે પૂ. મોરારીબાપુ શ્રીરામકથાનુ રસપાન કરાવશે.

કચ્છના રતરના યાદવ કુળનાં વંશજ ગણાતા આહીર પરિવારોની આસ્થાનું આ સ્થાન છે જ્યા રાધાકૃષ્ણનું મંદિર છે. મંદિરની વિશેષતા એ છે કે અહીં ૧૪૦ સતીમાતાઓની મૂર્તિઓ ગોળાકારે ગોઠવાયેલી છે. જેમણે અહીં પ્રાણની આહુતિ આપી છે.

કૃષ્ણભકિતના પ્રતીક સમુ આ સ્થાન એક દ્રષ્ટિએ ‘પ્રેમ મંદિર’ છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધીકાજીની મૂર્તિ છે. જે વિશ્વમાં દેહભાવથી પર, આત્મપ્રેમ, ‘સંબંધ મુકત સંબંધ’નું આ પ્રેરણાદાયી પ્રતીક છે.

આહીર સમાજની કૃષ્ણ ભકિતએ આ અવાવરાં ખંડેરને સ્થાને ‘પ્રેમ -મંદિર ’ સર્જવા પ્રેર્યા અને ઠાકરધણીની સાથે રાધારાણીની પ્રતિષ્ઠા કરી. જ્યાં પ્રતિવર્ષ હોમ -હવન, પાળિયા-પૂજન અને મહાપ્રસાદનું આયોજન થાય છે. સમસ્ત આહીર સમાજ એમાં ભકિત ભાવથી જોડાય છે. કેટલીક ભૂમિ પર બાપુની સવિશેષ કૃપા છે એ પૈકી એક કચ્છની ભૂમિ છે. બાપુની કુલ કથાક્રમની આ ૮૫૫મી કથા છે.

કથાના યજમાન પ્રવિણભાઇ તન્ના, તલગાજરડી વ્યાસપીઠનાં સમર્પિત યજમાન શ્રી પ્રવિણભાઇ તન્નાએ નિમિત બનવાનો મનોરથ વ્યકત કર્યો. બાપુ પોતાના અંતઃ કરણની પ્રવૃતિથી પ્રેરાઇને અસ્તિત્વની ઇચ્છા મુજબ કચ્છની પ્રાચીન સાંસ્કૃતિક ધરોહર સમાજ વ્રજવાણી સ્થાને ૧૩/ ૨/૨૦૧૧ શનિવારે સાંજે ૪ થી ૬ અને ૧૪/૨/૨૦૨૧થી સવારના ૯ થી ૧ દરમિયાન આસ્થા ટીવી તેમજ યુ-ટ્યુબના માધ્યમથી શ્રોતાઓને શ્રવણ લાભ પ્રાપ્ત થશે.

કચ્છના રણ કાંઠાનું નાનકડુ ગામડુ હોવાથી ત્યાં કોઇ વિશેષ નિવાસ વ્યવસ્થા નથી. વળી મર્યાદિત સંખ્યામાં જ શ્રોતાઓ માટે મંજૂરી છે. તેથી સહુએ ઘરે બેઠા શ્રવણ લાભ લેવો ઉચિત ગણાશે.

  • કચ્છમાં પૂ.મોરારીબાપુની ૨૮મી રામકથા

રાજકોટ,તા. ૧૨: વાગડ વિસ્તારમાં આ અગાઉ વર્ષ  ૧૯૯૦માં ભચાઉ ખાતે પ્રથમ કથાનું આયોજન થયું હતું. ત્યારબાદ ૨૦૦૦માં રાપર, ૨૦૦૩માં જંગી અને છેલ્લે ૨૦૧૫ના અંતમાં મોડપર ખાતે યોજાઇ હતી. વર્ષ ૧૯૭૩માં અંજાર ખાતે બાપુની પ્રથમ કથાનું આયોજન થયું હતું. બાદમાં વિવિધ સ્થળોએ તેમણે વ્યાસપીઠ પરથી રામકથાનો મહિમા વર્ણવ્યો છે. વર્ષ ૧૯૮૨માં માધાપરમાં બીજી કથા પછી વિગોડી, ભુજ (બે વાર), મુન્દ્રા, માંડવી, નારાયણ સરોવર, ઝરપરા, ખિરસરા, ધ્રંગ, નારાણપર, ગાંધીધામ, સરલી કેરા, કોટેશ્વર, આદિપુર (બે વાર), હાજીપીર, નલિયા અને કાઢવાંઢ સહિતના વિસ્તારમાં રામકથા યોજાઇ ચૂકી છે.

(10:20 am IST)